માળીયા હાટીના, તા. 13 એપ્રિલ – માળીયા હાટીના વડલીયા ગામે આવેલ પવિત્ર હનુમાન મંદિર ખાતે આજે હનુમાન જયંતિની ધાર્મિક અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે યોજાતી આ પરંપરાગત ઉજવણીમાં ભક્તોનું વિશાળ ટોળું ઉમટી પડ્યું હતું.
દિવસની શરૂઆત સવારે મહા આરતી અને વિશેષ પૂજનવિધિથી થઈ હતી. મંદિરમાં ભક્તિભાવ સાથે સંકટમોચન હનુમાનદાદાને ચરણોમાં શ્રદ્ધાના ફૂલો અર્પણ કરાયા હતા. આરતીના ઘંટનાદ અને શંખના અવાજ વચ્ચે સમગ્ર વાતાવરણ ધાર્મિકતા અને શાંતિથી ગૂંજી ઉઠ્યું હતું.
બપોર પછી મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો એ ભાગ લઇ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો. પરિવારજનો, ગ્રામજનો અને તલાટીઓ સહીત અઢળક ભાવિકોએ ધન્યતા અનુભવી.
આ સમગ્ર ઉત્સવને સફળ બનાવવા માટે વડલીયા હનુમાન મંદિર ટ્રસ્ટના કાર્યકરો દ્વારા અથાગ મહેનત કરવામાં આવી હતી. આયોજનની સૂક્ષ્મ વિગતોથી લઈ ભક્તજનો માટે સુવિધાઓ સુચારૂ રીતે ઉપલબ્ધ થાય તે માટે ટ્રસ્ટના દરેક સભ્યે તેમની ફરજ નિભાવી હતી.
આવા ધાર્મિક કાર્યક્રમો ગામમાં સંસ્કાર અને ભક્તિભાવનો ભાવ વધારતા હોય છે. હનુમાનદાદાની કૃપાથી સમગ્ર ગામમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા વિસ્તરે, એજ શુભેચ્છા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.
અહેવાલ: [પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના]