પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ અને સૌરાષ્ટ્રના આરાધ્ય દેવ એવા સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કરી જલાભિષેક અર્પણ કર્યા હતા. તેમણે ભોળાનાથના ચરણોમાં શિશ નમાવી સૌના કલ્યાણ અને રાજ્ય-રાષ્ટ્રની સુખાકારી માટે પ્રાર્થના પણ કરી હતી.
શ્રાવણ માસના દરેક સોમવારે પૌરાણિક શિવ મંદિરોના દર્શનનો ઉપક્રમ તેઓ શ્રદ્ધાપૂર્વક નિભાવી રહ્યા છે. ધોળેશ્વર, સ્તંભેશ્વર અને હાટકેશ્વર મહાદેવના દર્શન બાદ અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શનથી તેમણે આ શ્રેણી પૂર્ણ કરી.
આ અવસરે મુખ્યમંત્રીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આંગણવાડીના નાના ભૂલકાઓ માટે “લાડુ પોષણ પ્રસાદ વિતરણ” કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન અને ટ્રસ્ટ અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના “પોષણ ભી, પઢાઈ ભી” મંત્રને સાકાર કરતાં આ યોજનામાં એક વર્ષ દરમ્યાન ૭ લાખ લાડુનું વિતરણ કરવામાં આવશે. અંદાજે ₹૧ કરોડના ખર્ચે ૨૮ ટન પોષણયુક્ત લાડુ બાળકો સુધી પહોંચાડાશે. ખાસ વાત એ છે કે દરેક લાડુનું પેકિંગ ઓટોમેટિક મશીનથી, એરટાઈટ અને સ્વચ્છ રીતે, તેમજ ઇકો-ફ્રેન્ડલી મટીરીયલથી કરવામાં આવે છે.
સોમનાથ ટ્રસ્ટની સામાજિક સેવાના અભિગમ હેઠળ અગાઉ પણ “કેરી મનોરથ”, ખારેક વિતરણ, મગફળી-ગોળની ચિક્કી પૂર્તિ, આરોગ્ય નિદાન કેમ્પો, ગૌશાળાઓને સહાય જેવી અનેક સેવાઓ યોજાય છે. “સૌના નાથ સોમનાથ”ના ધ્યેય સાથે ટ્રસ્ટ સેવા અને આધ્યાત્મિકતાનું સુમેળ જાળવી રાખે છે.
મુખ્યમંત્રીની આ મુલાકાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્યો પ્રદ્યુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, ડી.ડી.ઓ. સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ