જૂનાગઢ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાસણ ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની આજરોજ ઉજવણીમાં સહભાગી બન્યા હતા. આ અવસરે તેમણે ગીરની જૈવ વિવિધતા અને સાંસ્કૃતિક ધરોહર ને ઉજાગર કરતી તસવીરો ની પ્રદર્શનીને ‘સિંહ સદન’ ખાતે બનાવવામાં આવેલી પ્રદર્શનીને ખુલ્લી મૂકી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વન વિભાગના કર્મચારીઓ અને સૌરાષ્ટ્રના વન્ય પ્રાણી તસ્વીરકારો એ ગીરની વન્યપ્રાણી સૃષ્ટિ અને પ્રાકૃતિક સૌંદર્યને દર્શાવતી તસવીરો નિહાળી હતી. આમ, મુખ્યમંત્રીશ્રી તસ્વીરોના માધ્યમથી ગીરની આગવી વન્ય પ્રાણીસૃષ્ટિ અને સંસ્કૃતિથી અવગત થયા હતાં.
મુખ્યમંત્રીશ્રી સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મૂળુભાઈ બેરા, સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠીયા, ભગવાનજીભાઈ બારડ,અરવિંદભાઈ લાડાણી, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા, ગીર સોમનાથના જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, જૂનાગઢ કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, વન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો આ તસવીર પ્રદર્શનીની મુલાકાતમાં જોડાયા હતા.
નાયબ વન સંરક્ષકશ્રી મોહન રામે મુખ્યમંત્રીશ્રીને ગીરના વન્ય પ્રાણી જીવો અને ગીરની આગવી વિશેષતાઓ વિશે તસવીરોના માધ્યમથી જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ગીર જંગલ જૈવ વિવિધતાનું મોટું કેન્દ્ર છે, ત્યારે અહીં એશિયાટિક સિંહો ઉપરાંત દિપડા, ચિત્તલ અને ભાગ્યે જ જોવા મળતી તામ્રવર્ણ, ટપકાંવાળી બિલાડી, પક્ષીઓમાં ગીધ, રાજ ગીધ, ચિલોત્રો વગેરે ની તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે.નોંધપાત્ર છે કે, ગીરમાં ૪૧ પ્રકારના સસ્તન પશુઓ, ૪૭ પ્રકારના સરીસૃપ જીવો, ૩૩૮ જાતના પક્ષીઓ અને ૬૩૫ જાતના ઝાડપાન -વનસ્પતિ વગેરે જોવા મળે છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)