મેદસ્વિતાને હરાવતી યોગશક્તિ: મનિષાબેન બજાણીયાએ ૩ મહિનામાં ઘટાડ્યા ૨૦ કિલો વજન!

જૂનાગઢ, તા. ૧૯ એપ્રિલ

જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહેતી મનિષાબેન બજાણીયાએ પોતાની મહેનત અને નિયમિત યોગાભ્યાસની માધ્યમથી મેદસ્વિતામાંથી છુટકારો મેળવીને અસાધારણ ઉદાહરણ પુરું પાડ્યું છે. માત્ર ત્રણ મહિનામાં ૨૦થી વધુ કિલો વજન ઘટાડીને, તેમણે પોતાની જિંદગીમાં નવો ઉલ્લાસ ભર્યો છે.

મનિષાબેને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૧માં તેમનું વજન ૯૫ કિલોગ્રામ હતું અને તેમને હરના, સાંધાનો દુખાવો અને ગેસ જેવી તકલીફો પણ સતાવતી હતી. ત્યારે તેમણે યોગ અને પ્રાણાયામ શરૂ કર્યો, જેના પરિણામે એક મહિને જ ૫ કિલો અને ત્રણ મહિનામાં લગભગ ૨૦ કિલો જેટલું વજન ઘટાડ્યું હતું.

તેમણે યોગ શિક્ષિકા ચેતનાબેન ગજેરા પાસેથી યોગાભ્યાસ શીખ્યો અને વિવિધ આસનો સાથે સૂર્ય નમસ્કારનું નિયમિત પાળન કર્યું. સાથે જ આયુર્વેદિક જીવનશૈલી અનુસરી — જેમ કે દિવસ દરમિયાન ૩ લીટર હળવું ગરમ પાણી પીવું, તળેલું-ભારે ખોરાક ટાળવો, સાંજે છ વાગ્યા સુધી રાત્રિભોજન લેવું વગેરે રીતો અપનાવી.

હવે મનિષાબેન છેલ્લાં પાંચ વર્ષથી યોગ શિક્ષિકા તરીકે કાર્યરત છે અને ટીંબાવાડી વિસ્તારમાં બહેનોને યોગ શિક્ષણ નિશુલ્ક આપે છે. રાજ્ય સરકાર તરફથી તેમને દર મહિને ૩૦૦૦ રૂપિયાનું માનદ વેતન પણ આપવામાં આવે છે.

મનિષાબેને રાજ્ય સરકારના **‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત અભિયાન’**ને સરાહનાપાત્ર ગણાવી સૌને પોતાની આરોગ્યદાયક યાત્રા શરૂ કરવા અનુરોધ કર્યો હતો.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ.