કેશોદ, તા. ૨૮ જૂન ૨૦૨૫ – રાજ્યભરના શાળાઓમાં નવાગંતુક બાળકોએ શિક્ષણના નવા પગથિયાં ચઢવાનું આનંદ માણ્યો છે. ત્યારે કેશોદ તાલુકાની મોટી ઘંસારી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની નાયબ સચિવ અવનીબેન જોષી હાજર રહ્યા હતા. તેમનાથી સાથે રુટ લાયઝન ઓફિસર, BRC કો-ઓર્ડીનેટર ડો. બી.એ. નંદાણિયા અને વિવિધ શાસકીય વિભાગોના અધિકારીઓ તથા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યા પ્રવેશ ઉત્સવમાં આંગણવાડીના નાનાં ભૂલકાઓ અને બાલવાટિકા તથા ધોરણ ૧ના બાળકોને શૈક્ષણિક કીટ આપી વિધિવત રીતે શાળામાં પ્રવેશ અપાયો હતો. બાળકોમાં નવા શૈક્ષણિક જીવન પ્રારંભ માટે ઉત્સાહ અને ઉમંગ છલકાયો હતો.
ઉત્સવમાં સ્થાનિક સરપંચશ્રી, એસ.એમ.સી.ના અધ્યક્ષ તથા સભ્યો સહિત અનેક વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમસ્ત શિક્ષકવૃંદે ઉત્સાહપૂર્વક સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આવો શાળા પ્રવેશોત્સવ બાળકોમાં શિક્ષણ પ્રત્યે પ્રેરણા આપે છે અને ગ્રામ્યવિસ્તારમાં શિક્ષણના પ્રવાહને વધુ વેગ આપે છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ