રાજકોટમાં પેપર બેગ ડે નિમિતે ‘માય ઇકો બેગ’ પ્રદર્શન યોજાયું.

રિજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા 12 જુલાઈ 2025 ના રોજ વર્લ્ડ પેપર બેગ ડે નિમિતે એક અનોખું અને પર્યાવરણીય જાગૃતતા લાવતું ‘માય ઇકો બેગ પ્રદર્શન’ યોજાયું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ પેપર બેગના ઉપયોગના ફાયદા અને પ્લાસ્ટિક થેલીઓથી થતી હાનિ અંગે સામાન્ય જનતામાં જાગૃતિ ફેલાવવાનો રહ્યો.

આ પ્રસંગે, ‘લોકો માટે, લોકો દ્વારા’ થીમ પર કાર્યરત સાયન્સ સેન્ટર દ્વારા આયોજન કરાયેલા આ ઇવેન્ટમાં રાજકોટની પાંચથી વધુ શાળાના કુલ 204 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. વિવિધ શાળાઓ જેમ કે કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ, પી.બી. કોટક મેમોરિયલ સ્કૂલ, આર.એચ. અને વી.ટી. કોટક વિનય મંદિર, સહજાનંદ સ્કૂલ અને જીનીયસ સ્કૂલના વિદ્યાર્થીઓએ જાતે બનાવેલા પેપર બેગો પ્રદર્શિત કર્યા.

વિદ્યાર્થીઓએ વિવિધ રંગો અને ડિઝાઇનમાં ઇકો-ફ્રેન્ડલી પેપર બેગ બનાવીને તેનું પ્રદર્શન કર્યું અને પર્યાવરણ સંરક્ષણ માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને રિજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા પાર્ટિસિપેશન સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા.

આ પ્રકારની પ્રવૃત્તિથી બાળકોમાં કેળવણી સાથે સાથે પર્યાવરણીય જવાબદારીની ભાવના જાગૃત થતી હોય છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ یادવ, જૂનાગઢ