રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં પશુપાલન અને ડેરી ક્ષેત્રના સર્વસમાવેશક વિકાસ માટે મનોમંથન

જૂનાગઢ 

રાજ્યના કૃષિ અને પશુપાલન તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પશુપાલન અને ડેરી ક્ષેત્રના સર્વ સમાવેશક વિકાસ માટે પશુપાલન પ્રભાગની ચિંતન શિબિર યોજાઈ હતી.

જૂનાગઢ ખાતેની વેટરનરી કોલેજ ખાતે રાજ્યકક્ષાની ચિંતન શિબિરમાં સંબોધન કરતા કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ મુજબ વિશ્વની ત્રીજી અને ફાઈવ ટ્રિલિયન ઈકોનોમી બનાવવા માટે પશુપાલન અને ડેરી ક્ષેત્રનું યોગદાન મહત્વનું બની રહેશે.

તેમણે કહ્યું કે, પશુપાલકોના આર્થિક ઉત્કર્ષ માટે પશુધનના આરોગ્યની કાળજી અને ઓલાદ સુધારણા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ઉપરાંત IVF, સેક્સડ સિમન સહિતની અધ્યતન ટેકનોલોજીનો પશુપાલન અને ડેરી ક્ષેત્રે ઉપયોગથી સારા પરિણામો પ્રાપ્ત કરી શકાશે. તદુપરાંત રખડતા ઢોરની સમસ્યાના ઉકેલની દિશામાં આ ટેકનોલોજી પણ મહત્વપૂર્ણ બની રહેશે.

કૃષિ અને પશુપાલન મંત્રીશ્રીએ આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેલા રાજ્યભરના પશુપાલન અને ડેરી ક્ષેત્રના નિષ્ણાંતોને પશુપાલકોના હિતમાં પ્રવર્તમાન યોજનાઓને વધુ કાર્યક્ષમ બનાવવા જરૂરી સુધારાઓ સૂચવવા અને નવી યોજનાઓ બનાવવા જરૂરી સૂચનો કરવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત ટેકનોલોજીના માધ્યમથી કેવી રીતે પશુપાલન ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરી શકાય તે માટે પણ જરૂરી સૂચનો કરવા જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ પશુપાલકોને આર્થિક રીતે સશક્ત કરવા માટે KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડનો વ્યાપ વધારવાને આવશ્યક ગણાવ્યું હતું. આ પ્રસંગે પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમારે જણાવ્યું હતું કે, પશુપાલન ગ્રામ્ય વિસ્તારના લોકો અને જમીન વિહોણા તથા નાના શ્રીમંત ખેડૂતો માટે રોજગારીનો મહત્વનો સ્ત્રોત છે. દેશમાં ૮ કરોડ પરિવારને ડેરી ઉદ્યોગ દ્વારા આજીવિકા મળી રહી છે. પશુપાલકોને દૈનિક ધોરણે રૂ. ૨૦૦ કરોડનું ચુકવણું પણ કરવામાં આવી રહ્યું છે. માથાદીઠ આવકમાં પણ પશુપાલન ક્ષેત્રનું યોગદાન ઉત્તરોત્તર વધ્યું છે. ઉપરાંત ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટે જરૂરી વ્યૂહરચનાના પાસાઓનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાત કો- ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જયેન મહેતાએ જણાવ્યું કે, દેશભરમાં ગુજરાત રાજ્ય વિકાસનું મોડલ છે તેમ દૂધ ઉત્પાદન અને તેની પ્રોડક્ટ બનાવવા માટે અમુલનું મોડલ પણ ટોચનું સ્થાન ધરાવે છે. આજે અમુલ દ્વારા ઉત્પાદિત પ્રોડક્ટ અમેરિકા સહિતના દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવી રહી છે. ડેરી ક્ષેત્રે ભારતના વિકાસને લઈને અન્ય દેશો ભારત સાથે જોડાયા છે. આમ, અમુલનું મોડલ આજે ગ્લોબલ બની રહ્યું છે. ઉપરાંત તેમણે દૂધ ઉત્પાદનના વ્યવસાયિક પાસાઓનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.આ પ્રસંગે પશુપાલન નિયામક ફાલ્ગુની ઠાકરે શાબ્દિક સ્વાગત કરતા આ રાજ્યકક્ષાની ચિંતન શિબિરની પૂર્વભૂમિકા બાંધી હતી.

આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી એન. એચ. કેલાવાલાએ પોરબંદર ખાતે ગીર કાઉ સેન્સુરી શરૂ થવા જઈ રહી હોવાનો ઉલ્લેખ કરતા છેવાડાના લોકોના વિકાસમાં પશુપાલન ક્ષેત્રના શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ દ્વારા લોકોના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે તે દિશામાં જરૂરી ચિંતન કરવા જરૂરી નિર્દેશ કર્યો હતો.

આ દરમિયાન મંત્રીશ્રીના હસ્તે પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નો અને તેના નિરાકરણ અંગેના પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. અંતમાં વેટરનરી આચાર્ય અને ડીન શ્રી પી. એચ. ટાંકે આભાર વિધિ કરી હતી.

આ ચિંતન શિબિરમાં પાંચ ગ્રૃપ બનાવી પશુપાલનને લગતા વિષયો જેવા કે, પશુપાલન વ્યવસાયોમાં પડકારો, તકો અને ઉકેલ, પશુચિકિત્સા શિક્ષણ અને સંશોધન, પશુપાલન વ્યવસાયમાં નવિનતા, રોકાણ અને નિકાસ, પશુપાલન ક્ષેત્રે માનવ સંશાધન વિકાસ અને નિતિ માળખું, નિયમો અને કાયદા તથા પશુપાલન પ્રભાગની કામગીરી નું અવલોકન અને ભવિષ્ય માટે આયોજન જેવા વિષયો પર ગહન ચર્ચાઓ કરવામાં આવી. પશુ ચિકિત્સા ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનનું ભવિષ્યનું આયોજન તેમજ પશુપાલન ક્ષેત્ર સંબંધિત નીતિ, વિવિધ કાયદા અને નિયમોના અમલીકરણમાં અનુભવાતી મુશ્કેલીઓ અને તેના ઉકેલ માટેનાં સુચનો વગેરે પાસાઓને આવરી લેવાયા અને આ મુદ્દાઓ પરની ભલામણો રાજ્યના પશુપાલન અને ડેરી ક્ષેત્રને મજબૂત બનાવવા અને પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ વધારવા માટે દરેક ગ્રુપ દ્વારા આપવામાં આવ્યા. જે નીતિ ઘડતર માટે સરકારશ્રીમાં રજુ કરવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, પશુપાલન વિભાગના અધિક નિયામક શ્રી કિરણ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વી.પી. ચોવટીયા, નોબલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ખેર, જામનગર દૂધ ઉત્પાદન સંઘના શ્રી કાંતિ ગઢીયા, મોરબી દૂધ ઉત્પાદન સંઘના સંગીતાબેન કગથરા સહિત પશુપાલન અને ડેરી ઉદ્યોગના તજજ્ઞ, પ્રાધ્યાપક, વૈજ્ઞાનિક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)

Advertisement