રાજ્યના સહકાર મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લાના અને કોડીનારના સહકારી આગેવાનો સાથે વર્ચ્યુઅલી સમીક્ષા બેઠક યોજાઈ.

જૂનાગઢ

૧૯ જુલાઈના રોજ રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ આજે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લાના અને કોડીનારના સહકારી આગેવાનો સાથે સહકારી ક્ષેત્રનો વ્યાપ વધે અને સહકારી સહકારી સંસ્થાઓ વચ્ચે સંકલનથી ખાસ કરીને ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત બને અને ખેડૂતો-પશુપાલકો સમૃદ્ધિ તરફ આગળ વધે તે માટે દિશાસૂચક માર્ગદર્શન આપતા સહકારી સંસ્થાઓનો નાણાકીય વ્યવહાર સહકારી બેંકના માધ્યમથી થાય તેમ જરુરી ગણાવ્યું હતું.

સહકારથી સમૃદ્ધિની નેમને સાર્થક કરવા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ આ સમીક્ષા બેઠકમાં વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યુ કે, રાજ્યમાં સહકાર ક્ષેત્ર મજબૂત બને અને તેના દ્વારા લોકોની સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત બને તે માટે દરેક ગામને પ્રાથમિક કૃષિ સેવા સહકારી મંડળી કે, અન્ય સહકારી સંસ્થાઓની સેવા હેઠળ આવરી લેવામાં આવશે. આ સહકારી સંસ્થાઓના માધ્યમથી નાણાકીય વ્યવહારો માટે જરુરી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આમ, ગ્રામીણ કક્ષાએ સહકારી સંસ્થાઓના માધ્યમથી નાણાકીય વ્યવહારો વધુ સુગમ બનાવવામાં આવશે.

મંત્રીશ્રીએ, સહકારી ક્ષેત્રના મુખ્ય ૧૭ આયામોને ચરિતાર્થ કરવા માટે વિવિધ સહકારી સંસ્થાઓ વચ્ચે સાથ અને સંકલનને આર્થિક ઉત્થાન માટે જરુરી ગણાવતા કહ્યુ કે, સહકારી ક્ષેત્રની મદદથી વિવિધ ચીજવસ્તુઓના નિકાસ કરવા માટેનો ઓર્ડર પણ મળ્યો છે. આમ, સહકારી ક્ષેત્ર વિવિધ ક્ષેત્રમાં વિસ્તરી રહ્યું છે, જેનો લાભ ગામડાના ખેડૂતોને મળશે. ગામડાઓમાં યુવાઓને રોજગારી પણ મળશે. ઉપરાંત તેમણે કહ્યું કે, સહકારી બેંકોનું ખૂબ ઝડપથી આધુનિકીકરણ થઈ રહ્યું છે. સાથે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સહકારથી સમૃદ્ધિની નેમ સાર્થક કરવા અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે સહકારી ક્ષેત્રોના આગેવાનોને આહવાન કર્યું હતુ.

મેંદરડા માલણકા ખાતે આયોજિત આ બેઠકમાં, ગુજરાત સ્ટેટ કો- ઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી અજય પટેલે પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સહકારી સંસ્થાઓને પરસ્પર જોડાવા માટે સહકારી સંસ્થાઓના આગેવાનોને અનુરોધ કરતા જણાવ્યુ કે, દૂધ સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, એપીએમસી વગેરે સહકારી સંસ્થાઓના સહયોગ અને સહકારી બેંક સાથે જોડાણ કરવાથી અને તમામ નાણાકીય વ્યવહારો જિલ્લા સહકારી બેંક સાથે કરવાથી સહકારી સંસ્થાઓને આર્થિક રીતે મજબૂતી મળશે અને તેનો સીધો લાભ ખેડૂતો પશુપાલકોને મળશે.
સહકાર સચિવ શ્રી સંદીપ કુમારે જણાવ્યુ કે, સહકારી બેંક સહિતની સહકારી સંસ્થાઓનું આધુનિકીકરણ થઈ રહ્યું છે, તેમજ સહકારી સંસ્થાઓનું એક ડેટાબેઝ પોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે. જે સહકારી સંસ્થાઓનો સહયોગ સાધવામાં ખૂબ ઉપયોગી બની રહેશે. તેમણે સહકાર ક્ષેત્રના નવીન આયામોથી અવગત કરાવતા કહ્યું કે, સહકારી સંસ્થાઓને જન સેવા કેન્દ્ર, પેટ્રોલ-ડીઝલ પંપ, એલપીજી ડિસ્ટ્રીબ્યરશીપ, ગ્રામીણ સ્તરે જેનેરિક દવાઓ મળી રહે તે માટે જન ઔષધિ કેન્દ્ર, ખાતર વિતરણ કેન્દ્ર વગેરે સહકારી સંસ્થાઓ દ્વારા શરુ કરવામાં આવશે. આમ, સહકારી ક્ષેત્રના માધ્યમથી જન-જનના કલ્યાણ અને વિકસિત ભારતના નિર્માણની નેમ સાકાર થશે.

આ બેઠકમાં જેડીસીસી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે સહકારી ક્ષેત્રના આગેવાનોને આવકારતા જણાવ્યુ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની સહકારિતાથી સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવા અને આ સહકારી ચળવળ ગુજરાત રાજ્ય અગ્રસર બને તે માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના દિશાદર્શનમાં મજબૂતીથી આગળ વધી રહી છે, તેમાં જરુરી સહયોગ કરવા સહકારી આગેવાનોને અનુરોધ કર્યો હતો. ઉપરાંત જૂનાગઢ જિલ્લા સહિતના વિસ્તારમાં સહકારી ક્ષેત્રને ઝડપથી આગળ ધપાવવા અને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત અને વેગવાન બનાવવા માટે સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું.

ગુજરાત રાજ્ય સહકારી બેંકના સીઈઓ શ્રી પ્રદીપ વોરાએ આ સમીક્ષા બેઠકની પૂર્વ ભૂમિકા આપી હતી અને જરુરી માર્ગદર્શન કર્યું હતું. જેડીસીસી બેંકના ઇન્ચાર્જ સીઈઓ શ્રી કલ્પેશ રૂપાપરાએ પીપીટીના માધ્યમથી જેડીસીસી બેંકની પ્રગતિની રૂપરેખા સાથે જરુરી જાણકારીથી અવગત કરાવ્યા હતા. અંતમાં જેડીસીસી બેંકના વાઈસ ચેરમેન શ્રી મનુભાઈ ખૂંટીએ આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય સર્વ શ્રી સંજયભાઈ કોરડીયા, શ્રી પ્રદ્યુમ્ન વાજા, ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા, સુદામા ડેરીના ચેરમેન શ્રી ભરતભાઈ ઓડેદરા, રાજ્યના જોઈન્ટ રજીસ્ટ્રાર શ્રી ચેતન પરમાર, પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમૂલ ફેડરેશનના શ્રી શ્યામલ પટેલ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા સહિતના સહકારી આગેવાનો અને એપીએમસીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)