સુરતઃ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વિજય મેવાવાલા અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હક્કપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી ૧૯પ૧–પર થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે ત્યારે રાજ્યમાં કોઇ ઉદ્યોગકારે જમીન બિનખેતી– NA કરવાની હોય તો જમીન વેચનારે ૧૯પ૧ થી અત્યાર સુધીના રેકોર્ડ આપવા પડે છે. ૧૯પ૧ થી હાલ એટલે કે ૭૩ વર્ષ થાય છે. આ સમયગાળા દરમ્યાન મૂળ માલિકની લગભગ ચોથી કે પાંચમી પેઢી હાલમાં જમીનની માલિકી ધરાવતા હોય છે. ઘણીવાર એવું બને છે કે, જૂના ૧૯પ૧ કે તેની પહેલાના રેકોર્ડ મળતા નથી. આવા સંજોગોમાં કોઇપણ ઉદ્યોગકાર ખેતીલાયક જમીન ખરીદે છે તે રેકોર્ડના અભાવે જમીન બિનખેતી– NA કરાવતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જેથી કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. ૯ ઓગષ્ટ ર૦ર૪ના રોજ એવી રજૂઆત કરવામાં આવી હતી કે, બિન ખેતીની પરવાનગી દરમ્યાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણીના કિસ્સાઓમાં રેકર્ડની બિન ઉપલબ્ધતા અને બિન ખેતી મંજુરીના કેસોમાં વિલંબને કારણે ઉદ્યોગકારોને અનેક સમસ્યાઓ નડે છે. આ મામલે મુખ્યમંત્રીશ્રી દ્વારા વર્ષ ર૦ર૩માં મીણા કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું અને આ કમિટી દ્વારા જમીન બિનખેતી કરવાની પ્રક્રિયામાં સુધારો કરવાની ભલામણ આપવામાં આવી હતી, આથી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના હિતમાં મીણા કમિટીની ભલામણને વહેલી તકે સ્વીકારી જમીન NA કરવાની પ્રક્રિયા સરળ કરવા ચેમ્બર દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી.
ચેમ્બરની રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા મીણા કમિટીની ભલામણને સ્વીકારી મહેસુલી કાયદામાં ફેરફાર કરી તા. ૬ એપ્રિલ ૧૯૯પ પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના હિતમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને ચેમ્બર ઓફ કોમર્સ આવકારે છે અને મુખ્યમંત્રીશ્રીનો આભાર માને છે.
અહેવાલ :અશ્વિન પાંડે (સુરત)