ધરમપુર: આવતા 6 એપ્રિલ 2025 ના રોજ રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ધરમપુર નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે. આ શોભાયાત્રા સાથે સાથે શ્રી કાળારામજી મંદિર ખાતે મહાપ્રસાદ અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ભવ્ય શોભાયાત્રા અને વિશેષ ધાર્મિક કાર્યક્રમો
દર વર્ષની જેમ આ વર્ષે પણ રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા માટે VHP, બજરંગ દળ અને નવરંગ ગ્રુપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શોભાયાત્રા સાથે સાંજના 7:00 વાગ્યે શ્રી કાળારામજી મંદિર ખાતે મહાપ્રસાદ તથા રક્તદાન શિબિરનું આયોજન નવરંગ ગ્રુપ દ્વારા કરવામાં આવશે.
આ ઉજવણીના ભાગરૂપે 5 એપ્રિલ 2025ના રોજ સવારે 9:00 કલાકે શ્રી રામચરિતમાનસના અખંડ પાઠનો પ્રારંભ થશે, જે બપોરે 12:00 કલાકે પૂર્ણાહુતિ અને હવન સાથે સમાપ્ત થશે.
શ્રી કાળારામજી મંદિર – ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ
ધરમપુરમાં સીસોદિયા વંશના રાજવીઓ દ્વારા નિર્મિત શ્રી કાળારામજી મંદિર એક પ્રાચીન અને પવિત્ર ધાર્મિક કેન્દ્ર છે, જે સમગ્ર હિંદુ સમાજ માટે શ્રદ્ધાનું પ્રતિક છે. રામનવમીના પાવન અવસરે બપોરે 12:39 કલાકે શ્રી રામજીના બાલ સ્વરૂપની મૂર્તિ યુવા રામભક્તોના હસ્તે પધરામણી કરવામાં આવશે.
વિશેષ મહાપ્રસાદ અને ભક્તિમય કાર્યક્રમો
શોભાયાત્રા બાદ શ્રી જલારામબાપા મંદિર, હનુમાન ફળીયા ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા મહાપ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
VHP અને બજરંગ દળના કાર્યકર્તાઓ તેમજ નગરજનો દ્વારા રામનવમી ઉત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. VHP દ્વારા નગરની ધર્મપ્રેમી જનતાને આ શોભાયાત્રામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અહેવાલ : સુરેશ પરેરા (ધરમપુર)