રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનમાં કોડીનાર તાલુકાની વડનગરને શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે માન્યતા

કોડીનાર તાલુકાના વડનગર ગામને રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે પસંદ કરવામાં આવી છે. આ ગામે સેગ્રીગેશન, સૂકા કચરો અને ભીના કચરાની વ્યવસ્થામાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા સ્વચ્છતા અને સંચાલનના ક્ષેત્રે અન્યો માટે પ્રેરણાસ્રોત સાબિત થયું છે.

મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના અને રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનના માધ્યમથી ગામમાં અદ્યતન સુવિધાઓ અને સેવાઓની ઉપલબ્ધતા, તેમજ ગામની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. વડનગર ગામની મહિલા સરપંચ પુષ્પાબહેન ભાણજીભાઈ રાઠોડે જણાવ્યું કે ગામમાં કચરાને અલગ અલગ કેટેગરીમાં વહેંચી તેનો યોગ્ય નિકાલ થાય એ માટે તમામ પ્રયાસો થઇ રહ્યા છે. ૧૦૦% પાણી વિતરણની વ્યવસ્થા, ગટરની સુનિયોજિત વ્યવસ્થા અને ત્રણ સેગ્રીગેશન દ્વારા પાણીનું રિસાયકલિંગ ખેતરમાં કરવામાં આવતું હોવાનું તેમણે જણાવ્યુ.

આ શ્રેષ્ઠતા માટે કોડીનાર તાલુકાના વડનગર ગામને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળતા તે ગામના વિકાસમાં નવી પ્રેરણા ઉભી થઇ છે અને આ પ્રોજેક્ટ અન્ય ગામડાઓ માટે પણ ઉદાહરણરૂપ બન્યો છે.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ