જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ વિવિધ કચેરીઓને તેમની કામગીરી વધુ સુદ્રઢ બને તે માટે દિશા નિર્દેશ કર્યા હતા.ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓને રુટ દરમિયાન પીવાનું પાણી સુલભ રીતે મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને નળ પાણીની ઘોડી પાસે આ વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણીની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.
ભૌગોલિક પરિસ્થિતિ મુજબ નળ પાણીની ઘોડી એ કઠિન અને ચઢાણ વાળો રુટ છે. યાત્રાળુઓને આ વિસ્તારમાં પીવાનું પાણી મળી રહે તે માટે નળ પાણી ઘોડીની નીચે, ઉપર અને ઉતરતા ભાગમાં પીવાના પાણીના પોઇન્ટની સુવિધા કરવામાં આવી છે. ઉપરાંત માળવેલા નજીક પણ પીવાના પાણીના ૨ નવા પોઇન્ટની સુવિધા કરવામાં આવી છે. તંત્ર દ્વારા પીવાના પાણીની ટાંકીઓ રિફિલિંગ કરવા માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ગિરનાર લીલી પરિક્રમાના રુટ પીવાના પાણીના ૨૨ પોઇન્ટની સુવિધા કરવામાં આવી છે, જેના માટે ૪૫ ટાંકીઓ પણ મૂકવામાં આવી છે. આમ, ભારે જહેમત બાદ આ જંગલ વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)