*લોકસભા સામાન્ય ચૂંટણી 2024:- બનાસકાંઠા*
*જલોતરા ગામમાં મતદાનને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ: વહેલી સવારથી જ મતદાન મથકોએ ભારે ભીડ*
*85 વર્ષીય વૃદ્ધ મહિલા મતદારે વ્હીલચેરમાં આવી મતદાન કર્યું*
(માહિતી બ્યુરો,પાલનપુર)
02 બનાસકાંઠા લોકસભા મતદાર વિસ્તાર પૈકીના વડગામ અને કાંકરેજનો સમાવેશ પાટણ સંસદીય મત ક્ષેત્રમાં થાય છે. ત્યારે વડગામ તાલુકાના જલોતરા ગામે મતદાન માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ લોકોએ મતદાન માટે મતદાન મથકો પર ભારે ભીડ જમાવી હતી. જલોતરા પ્રાથમિક શાળા ખાતે મતદાન બુથ પર લોકોની લાઈન લાગી હતી. લોકોએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન મથકો પર લાગેલી ભારે ભીડને જોઈને એવું લાગતું હતું કે જલોતરા ગામમાં જશ્નનો માહોલ છે.
મંગુબેન પરથીભાઈ પટેલ નામના ઉ.વ 85 વૃદ્ધા મતદારે આટલી ઉંમરે પણ મતદાન માટે અદમ્ય ઉત્સાહ બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું હરી ફરી શકતી નથી તોય વ્હીલચેરમાં બેસીને પણ મતદાન કરવા આવી છું તો તમે મતદાન અવશ્ય કરજો એમ કહી લોકોને મતદાન માટે અપીલ કરી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે ખાસ વ્યવસ્થાના ભાગરૂપે વ્હીલચેર અને સહાયક સહિતની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.