જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની ઋતુ બાદ રસ્તાઓ પર ઊભી થયેલી તૂટફૂટને પગલે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખાસ કરીને જુદા જુદા ગામોને જોડતા આર.એમ.એમ. રોડની સ્થિતિમાં સુધારો લાવવા માટે મેટલ પેચ વર્ક યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહ્યો છે.
હાલમાં વડાલથી સારણકુવા તરફ જતા મુખ્ય માર્ગ પર મેટલ પેચની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને કામ પ્રગતિ પર છે. આ ઉપરાંત વધાવીથી ખલીલપુર જતા માર્ગ અને વડાલથી કેરાલા જતા માર્ગ પર મેટલ પેચ વર્કની કામગીરી પુર્ણ કરાઈ ગઈ છે. વિભાગના જણાવ્યા અનુસાર આગળના દિવસોમાં આવિર્ભૂત જરૂરિયાત મુજબ બાકી રહેલા રસ્તાઓ પર પણ સમારકામ કરવામાં આવશે.
આ કામગીરી માર્ગ અને મકાન વિભાગ, પંચાયત જૂનાગઢના કાર્યપાલક ઇજનેર તથા પેટા વિભાગ – ૧ના નાયબ કાર્યપાલક ઇજનેરની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહી છે.
વિભાગ દ્વારા એવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે કે સમયસર કામગીરી પુરી કરીને લોકો માટે વધુ સલામત અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરાશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ