વડાલી તાલુકાના ધામડી મુકામે સંત દોલતરામજી મહારાજ આશ્રમ અન્નક્ષેત્ર પરિસરમાં વડીલોનું વૃંદાવન, ધામડી મુકામે દિવ્ય સત્સંગ સમારોહ યોજાયો

સાબરકાંઠા

વડાલી તાલુકાના ધામડી મુકામે સંતો, મહંતો અને હરિભક્તોના સાનિધ્યમાં ભાવભક્તિ અને શ્રદ્ધા સાથે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે દિવ્ય સત્સંગ સમારોહ યોજાયો હતો..જેમાં સંત મણીરામ મહારાજ, સંત ધુળારામ મહારાજ, સંત દશરથસિંહજી બાપુ, ભાગવત કથાકાર ભગવાનદાસ, જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલ, કિસાન સંઘ પ્રમુખ શામળભાઈ પટેલ, એમ. કે. રહેવર, નાના મણીરામ મહારાજ, માથાસૂરથી રઘજીભાઈ તથા માલપુરથી પ્રવીણભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગની સરવાણી વરસાવી હતી. વડીલોના વૃંદાવનની સ્થાપના કરનાર સ્વર્ગસ્થ જેન્તીભાઈ પાટીદારની સેવાઓને યાદ કરવામાં આવેલ. વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના 600 જેટલી વડીલ માતાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌ સંતોનું સ્વાગત અભિવાદન માણકાભાઈ અને શંકરભાઈ પટેલે કર્યું હતું..

65 વર્ષની ઉંમર થયા પછી વડીલોએ પોતાના પરિવારમાં કઈ રીતે વર્તવું તેનું સચોટ માર્ગદર્શન જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા સંત મણીરામ મહારાજ, સંત દશરથસિંહજી બાપુ, સંત ધુળારામ મહારાજે સમજાવ્યું હતું… જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલે બધા દાનોમાં સૌથી શ્રેષ્ઠ દાન ભોજન દાનનો મહિમા શું છે તે અંગે વિસ્તૃત સમજ આપી હતી.પહેલું સુખ તે જાતે નર્યા જે સંદર્ભે ભગવાનદાસ અને ગોરલથી પધારેલ શિલ્પાબેન પટેલે શરીર સ્વસ્થ રાખવા માટેના ઉપાયો સૂચવ્યા હતા.. આ પ્રસંગે સુરેશભાઈ પટેલ દ્વારા પધારેલ સૌ હરિભક્તોને માનવ જીવનનો સાર શું છે તે અંગે સ્વામી શરણાનંદજી મહારાજના વિચારોના સંકલન કરેલ પુસ્તક સાધન નિધિ સૌને અર્પણ કરવામાં આવ્યું હતું..

આજના ભોજન દાતા ખેડબ્રહ્મા તાલુકાના રોધરા નિવાસી જીતુભાઈ મોતીભાઈ પટેલ અને વક્તાભાઈ મોતીભાઈ પટેલ પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો. સંગીતની સુરાવલીઓ સાથે ભજનોની રમઝટ બોલાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રોજંટા રામનગર નિવાસી રમણભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર ભોજન ધામડીના યુવા ભાઈઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ. ભોજન દાતા પરિવારે આરતી કરી લીધા બાદ સૌ હરી ભક્તોને ભોજન પીરસવામાં આવ્યું હતું.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ, ખેડબ્રહ્મા (સાબરકાંઠા)