વડોદરાથી કોડીનાર મર્ડરના કેસનો ફરાર કેદી ઝડપી, જુનાગઢ જેલ ખાતે મોકલાયો.

ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર પોલીસ સ્ટેશનના મર્ડરના કેસમાં દોષી ઠરાવાયેલા અને જુનાગઢ જીલ્લા જેલ ખાતે સજા ભોગવી રહેલો કેદી, જે છેલ્લા બે વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર હતો, તેને એલ.સી.બી. તથા પેરોલ-ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમ દ્વારા વડોદરા ખાતેથી ઝડપી લેવાયો છે.

જુનાગઢ રેન્જના આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બી.એસ. વ્યાસે પેરોલ, ફર્લો અને વચગાળાના જામીન પરથી ફરાર રહેલા આરોપીઓને પકડી પાડવા ખાસ સૂચના આપી હતી. આ અનુસંધાને, એલ.સી.બી.ના પો. ઇન્સ્પેકટર એમ.વી. પટેલ તથા પો. સબ ઇન્સ્પેકટર એ.સી. સિંધવના માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ એનાલિસીસનો ઉપયોગ કરી આ સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોડીનાર પોલીસ સ્ટેશન ગુ.ર. નં. 1329/2024 હેઠળ આઇ.પી.સી. કલમ 302, 34 અને જી.પી. એક્ટ 135 મુજબનો ગુનો નોંધાયેલો હતો. જેમાં આરોપી પ્રતિક ઉર્ફે બાબલો બાબુભાઈ વાઘેલા (રહે. વેલણ, તા. કોડીનાર, જી. ગીર સોમનાથ) ને તા. 06/10/2023 ના રોજ વચગાળાના જામીન પર 7 દિવસ માટે મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ, તા. 14/10/2023 ના રોજ જુનાગઢ જીલ્લા જેલ ખાતે હાજર થવાના બદલે તે ફરાર થઈ ગયો હતો અને આજદિન સુધી ગુમ થતો હતો.

લાંબા સમય બાદ, પોલીસે વડોદરા ખાતેથી કેદી પ્રતિક ઉર્ફે બાબલોને ઝડપી લીધો છે અને તેને જુનાગઢ જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

આ કામગીરીમાં એલ.સી.બી.ના અધિકારીઓ અને કર્મચારીઓ – પો. ઇન્સ. એમ.વી. પટેલ, પો. સબ ઇન્સ. એ.સી. સિંધવ, એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચાવડા, પો.હેડ કોન્સ. કમલેશભાઇ પીઠીયા, ગોવિંદસિંહ વાળા, પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ તેમજ પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. ઉદયસિંહ સોલંકી અને પો.કોન્સ. રવિરાજસિંહ બારડની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ.