વડોદરા: શહેરમાં ગેરવહીવટ અને રખડતા ઢોરના ત્રાસથી રાહત આપવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. શહેરના મુખ્ય માર્ગો, ગલીઓ અને આંતરિયાળ વિસ્તારોમાં રખડતા ઢોર પકડવા માટે 18 ટીમો ગોઠવવામાં આવી છે. ખાસ કરીને આ અભિયાનને અસરકારક બનાવવા માટે દરેક ટીમ સાથે પોલીસ જવાનો તહેનાત કરવામાં આવશે, જેથી તંત્રની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન આવે.
હાઇકોર્ટની ટકોર બાદ તંત્ર સજાગ
ગઈકાલે રાજ્યની હાઇકોર્ટે રખડતા ઢોરના મુદ્દે રાજ્ય સરકાર પર આકરા ટકોર કરી હતી. વારંવારની નારાજગી અને ચેતવણી બાદ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે અને રખડતા ઢોર પકડવા માટે નવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અગાઉ પણ તંત્ર દ્વારા આ અભિયાન ચલાવાયું હતું, પરંતુ ગણતરીના દિવસો બાદ સ્થિતિ “જૈસે થે” થઈ જતી હતી.
રખડતા ઢોર પકડવા માટે પાલિકા તંત્રની નવી રણનીતિ
વડોદરા શહેરમાં હાલમાં 8 ઢોર પકડવાની ટીમો કાર્યરત છે, જેમાં હવે 10 નવી ટીમો ઉમેરાશે. આ માટે કુલ 18 ટીમો ગોઠવવામાં આવી છે, જે અલગ-અલગ શિફ્ટમાં 24×7 કામગીરી કરશે. રખડતા ઢોરની સમસ્યાને કાબૂમાં લેવા માટે તંત્રએ ચોક્કસ શેડ્યૂલ મુજબ કામગીરી શરૂ કરી છે, જેમાં દરેક ટીમમાં 5 પોલીસ જવાનો, 1 હેડ કોન્સ્ટેબલ અને 1 એએસઆઈ સામેલ રહેશે.
24×7 કામગીરી માટે વિશેષ આયોજન
➤ સવારની પાળી: 4 ટીમ (સવારે 6:00 થી બપોરે 2:00)
➤ જનરલ શિફ્ટ: 3 ટીમ (સવારે 10:00 થી સાંજે 6:00)
➤ બપોરની પાળી: 4 ટીમ (બપોરે 2:00 થી રાત્રે 10:00)
➤ રાત્રિ પાળી: 4 ટીમ (રાત્રે 10:00 થી સવારે 6:00)
ગૌપાલકો અને તંત્ર વચ્ચે ટકરાવનો ભય
વડોદરાના ગૌપાલકો માટે પણ આ અભિયાન એક પડકારરૂપ બની શકે છે. ઘણાં ગૌપાલકો સવારે અને સાંજે દોહી લીધા બાદ ગાયો રખડતી મૂકી દે છે. નગરમાં ઠેર-ઠેર ફેંકાતા એઠવાડ અને ખોરાકની શોધમાં ગાયો રોડ પર આવી જાય છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે મોટો જોખમ સર્જાય છે. રખડતી ગાયોના કારણે અગાઉ પણ અકસ્માતો થઈ ચૂક્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ રખડતા ઢોર પકડતી ટીમો સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો છે.
પાંજરાપોળમાં ઢોર માટે વ્યવસ્થાઓ
પાલિકા તંત્રએ શહેરની બહાર પાંજરાપોળની સુવિધા પણ ઉભી કરી છે, જ્યાં પકડાયેલા ઢોર માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, તંત્ર દ્વારા ઢોર પકડવાની ચોક્કસ નીતિ ન હોવાને કારણે ગાયો ફરીથી રખડતી દેખાય છે.
પોલીસ-પાલિકા સંયુક્ત અભિયાન
વડોદરા મહાનગરપાલિકા અને શહેર પોલીસ એક સંયુક્ત અભિયાન ચલાવી રહ્યા છે, જેમાં ઢોર પકડીને પાંજરાપોળમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાશે. જાહેર રસ્તાઓ પર ગાયોને ખૂલ્લી મુકતા ગૌપાલકો વિરુદ્ધ પણ તંત્ર કડક પગલાં લેવા વિચારણા કરી રહ્યું છે.
શહેરવાસીઓને રાહત મળશે?
અગાઉ પણ પાલિકા તંત્ર દ્વારા આવા અનેક અભિયાન હાથ ધરાયા છે, પરંતુ લાંબા સમય સુધી તેનું અમલકર્તૃત્વ જળવાઈ શકે તેમ નથી લાગ્યું. જો આ વખતે તંત્ર દ્વારા કડક નિયંત્રણ સાથે આ અભિયાન હાથ ધરવામાં આવે, તો વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ઘટાડવામાં મદદ મળશે.
અહેવાલ :- ગુજરાત બ્યુરો