વલસાડ સાંસદ ધવલભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સુરખાઇ ખાતે ચીખલી, ખેરગામ, વાંસદા તાલુકાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓ માટે કિટ/એસેટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ખેરગામ

સરકારના આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ વિતરણનો કાર્યક્રમ ચીખલીના સુરખાઈ સ્થિત શ્રી જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન ખાતે વલસાડ સાંસદ શ્રી ધવલભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સુરખાઇ, ચીખલી ખાતે યોજાયો હતો. આ અવસરે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ સહિત વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ચીખલી, ખેરગામ, વાંસદા તાલુકાના ૧૮૩૮ આદિજાતિ લાભાર્થીઓને ૮૧.૫૨ લાખની સહાય વિતરણ

આ પ્રસંગે વલસાડ સાંસદ શ્રી ધવલભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણની પાયાની શરત ક્વોલિટી એટલે કે ગુણવત્તા છે. રાજ્યમાં દરેક યોજનાઓનો લાભ જરૂરતમંદ લાભાર્થી સુધી અવશ્ય પહોંચે તે માટે સરકાર સાથે નવસારી જિલ્લા તંત્ર પણ તત્પર છે.

સાંસદશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે આદિવાસીઓને વિકાસનું કેન્દ્ર સ્થાન બનાવી અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે એમ જણાવ્યું હતું. તેમણે ઉપસ્થિત ખેડૂત મિત્રોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના,એનએસપી, બેંકો દ્વારા આદિવાસી ખેડૂત ભાઇ બહેનોને મળતી ઓછા વ્યાજદરે મળતી લોન,ડ્રિપઇરીગેશન,ટેકનોલોજીનો સાથ મેળવવા યુવાઓ માટે ખાસ ટ્રેઇનિંગ સેન્ટરો, સહિત સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત સરકારે આદિવાસીઓને વિકાસનું કેન્દ્ર સ્થાન બનાવી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે-સાંસદ ધવલભાઇ પટેલ

આ અવસરે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં અનેક યુવા ખેડૂતો સારામાં સારી નોકરી છોડી ખેતીમાં જોડાઇ રહ્યા છે તે સમગ્ર ગુજરાત સહિત નવસારી જિલ્લા માટે ખુશીની બાબત છે. તેમણે ખેતી અને દુધમંડળીઓની સુવિધાનો સુવિચાર કરી સરકાર દ્વારા ટૂંક સમયમાં માઇક્રો એટીએમ શરૂ કરવામાં આવશે તેના વિશે જણકારી આપી હતી. અંતે તેમણે ‘યુવાઓ પાસે ટેકનોલોજી અને વડીલો પાસે અનુભવ’ એમ એકમેકના સહકારથી ક્રાંતિ સર્જી શકાય છે એમ ઉમેર્યું હતું.

ગણદેવી ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધી યોજના ખેડુતો માટે ખરા અર્થમાં આશિર્વાદરૂપ નિવડી છે. આ ઉપરાંત તેમણે ૭/૧૨ ની નકલમાં પોતાના પરિવારજનોના નામ સમયાંતરે અપડેટ કરાવવા અંગે ખેડૂતોને જાગૃત કર્યા હતા.અંતે તેમણે પ્રાકૃતિક ખેતીને ‘બ્રાન્ડેડ ખેતી’ તરીકે ગણાવી પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો. એ.આર.ગજેરાએ સ્વાગત પ્રવચન દ્વારા કાર્યક્રમનો હેતુ સમજાવી ખેતીવાડી સહિત આવશ્યક સેવાઓની જરૂરિયાત જ્યારે ખેડૂતોને પડે છે ત્યારે આદિજાતિ વિભાગના સહયોગથી વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવે છે. તેમણે સરકારની વિવિધ ખેતી વિષયક યોજનાઓ અંગે જાણકારી આપી સૌને લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં મહાભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ ઉપરથી તાડપત્રી, વિનોવિંગ ફેન અને બ્રશ કટરના કુલ-૨૦ લાભાર્થીઓને કુલ રૂપિયા ૧,૨૪,૮૪૩ની સહાય વિતરણ કરવામાં આવી હતી. આ સાથે મહાનુભાવોએ યોજનાકિય સ્ટોરની મુલાકાત લીધી હતી. અત્રે નોંધનિય છે કે, નવસારી જિલ્લાના સુરખાઇ ખાતે યોજાયેલ કીટ વિતરણ કાર્યક્રમમાં આદિજાતી ખેડૂતોને તાડપત્રી આપવાની યોજના અંતર્ગત વાંસદા,ચીખલી, ખેરગામના કુલ-૧૩૮૦ લાભાર્થીઓને ૨૯.૯૮ લાખના ખર્ચે સહાય એનાયત કરવામાં આવી હતી.

ડાંગર,ઘાસચારો કાપવા માટે બ્રશ કટર સહાય અંતર્ગત ૧૫.૮૩ લાખના ખર્ચે ૧૬૧ લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે. અનાજ જ ઉફણવાના પંખા યોજના અંતર્ગત ૧૮.૪૦ લાખના ખર્ચે કુલ-૨૧૨ લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત વનઅધિકાર નિયમન હેઠળ નવસારી જિલ્લામાં કૃષિ યાંત્રીકરણ માટે વિવિધ ઘટકોની યોજના ઘટક-ચાફ કટર હેઠળ ૧૭.૩૧ લાખના ખર્ચે કુલ-૮૫ આદિજાતી લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે.

આમ આજરોજ યોજાયેલ કીટ વિતરણ કાર્યક્રમ અંતર્ગત કુલ-1838 લાભાર્થીઓને 81.52 લાખની સહાય વિતરણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા, જિલ્લા ખેત ઉત્પાદન, સિંચાઇ, સહકાર પશુપાલન સમિતિના અધ્યક્ષશ્રી નિકુંજભાઇ પટેલ સહિત ખેતીવાડી વિભાગના અન્ય કર્મચારીઓ, વિવિધ તાલુકાના પદાધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન મદદનીશ ખેતી નિયામક સીપીદેસાઇ દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુભાષભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)