વિદેશમાં બાગાયતી પાકો નિકાસ કરવા માટે અપેડા અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં બાગાયતી પાકો જેવા કે કેરી, ચીકુ, જામફળ, સીતાફળ વગેરે ફળો તેમજ શાકભાજી પાકો જેવા કે સરગવો, ટામેટા, કાકડી, કેપ્સીકમ વગેરેની ખેતી કરતા ખેડૂતોને વિદેશમાં નિકાસ કરવા માટે ખેડૂતોએ પોતાના ખેતર કે બગીચાનું અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું જરૂરી છે. આ રજીસ્ટ્રેશનની કામગીરી જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા કરવામાં આવે છે. નિકાસ કરવા માટે રસધરાવતા ખેડૂતોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી જરૂરી સાધની કાગળો જેવા કે ૭/૧૨, ૮-અ, આધારકાર્ડની નકલ, ફાર્મનો નકશો તથા ફાર્મ ડાયરી વગેરે જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રી ની કચેરીએ અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજીની ચકાસણી કરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે. આ અરજી ફોર્મ મેળવવા તથા આપવા માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લઘુકૃષિ ભવન, બહુમાળી સામે, જૂનાગઢ સંર્પક કરવાનો રહેશે. તેમ જૂનાગઢ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયુ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)