વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે ‘અટલવાડી’ નું લોકાર્પણ કરાયું.

પાલનપુર

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને ડીસાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે નિર્માણ પામેલ ‘અટલવાડી- ગામની વાડી’ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તાલુકાના દસ ગામમાંથી ચાર ગામમાં અટલવાડીનું નિર્માણ થયું છે જેનું પ્રથમ લોકાર્પણ કરવાની શરૂઆત લક્ષ્મીપુરા ગામ ખાતેથી કરવામાં આવી છે.

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે તાલુકામાં સૌ પ્રથમ ધારાસભ્યશ્રીના ગામમાં અટલવાડી લાવવાની શરૂઆતના વખાણ કર્યા હતા. અટલવાડી થકી ગામમાં ભજન પ્રસંગ, સારા પ્રસંગ, ગામમાં બધાને સામુહિક રીતે ભેગા થવા જેવા કામોનું સરનામું મળ્યું છે. આ અટલવાડીથી પ્રેરાઈને અનેક ગામના લોકો ગામેગામ અટલવાડી બનાવવાનું નવીન કામ કરશે. અધ્યક્ષશ્રીએ ગામના લોકોને જણાવ્યું હતું કે ગામમાં વૃક્ષારોપણ કરવાની જરૂર છે. અટલ વાડી પ્રોપર્ટી ગામની પોતાની વ્યવસ્થા છે. જેનું ધ્યાન ગામ લોકોએ રાખવાનું છે. મોટા મોટા ગામમાં આવી અટલવાડી થાય તો મોટા ખર્ચાઓ બચશે. સારા કામ માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે નર્મદાના પાણી માટે રાજ્ય સરકાર ખૂબ ઉદાર હાથે કામ કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને આવનારા સમયની ચિંતા કરે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈની સરકારના નેતૃત્વમાં આ સમય સોનાનો સમય છે. આ સમયે એકબીજાની નિંદા કુથલી કરવાનો નથી. આ સમય દરેકનું કલ્યાણ કરવાનો સમય છે. ક્ષમતા પ્રમાણે આપણે આપણો પુરુષાર્થ કરીને આપણું કામ કરીને પ્રગતિ કરવાની છે.

ધારાસભ્યશ્રી પ્રવીણ માળીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે અટલવાડી (ગામની વાડી) થકી ગામના બધા પ્રસંગો એક જ જગ્યાએ કરવા માટેનું બીજ રોપાયુ છે. પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીના નામ ઉપરથી અટલવાડી નામ રાખવામાં આવ્યું છે. આધુનિક રીતે નિર્માણ થયેલ વાડીમાં બધી જ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર વર્ષે ૧૦ ગામોમાં અટલવાડીનું નિર્માણ થશે. જેનો કોઈપણ જાતિય ભેદભાવ વગર ઉપયોગ કરવામાં આવશે. અટલવાડી થકી ગામમાં વાર્ષિક ૧ કરોડ થી વધુ રૂપિયાની બચત થશે. અટલવાડીની જેમ ઘર સંસ્કાર અને બાળ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવા ઉપર મહેનત કરવામાં આવી રહી છે. ધારાસભ્યશ્રીએ ગામના લોકોને સારા દરેક કામ અને પ્રસંગો માટે અટલવાડીનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.

આ પ્રસંગમાં એ.પી.એમ.સી માર્કેટ ડીસાના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા, પૂર્વ સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડીયા, સંગઠનના અગ્રણી હોદેદારો, કાર્યકરો, સરપંચશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહીત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- ગુજરાત બ્યુરો