ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ગુજરાતી અનુસ્નાતક ભવન દ્વારા વિસરાતી જતી સંસ્કૃતિ ફટાણા, લગ્નગીત, અને લોકગીત વિષયે કાર્યક્રમ યોજાયો હતો. જીવનની ઊંચી રહેણીકરણી અને ફેશનમાં તેમજ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં રહેનારાં યુવક-યુવતીઓની મોડર્ન લાઈફ સ્ટાઈલ ગમે તેટલી અલ્ટ્રામોડર્ન થાય પણ લગ્ન તો હજીય લગ્નવેદી ફરતા ચાર ફેરા સ્થાનિક લોકગીતોનાં સથવારે ફરીને જ થાય છે. વ્યક્તિ અને સમૂહને સમજવા માટે લગ્ન, કુટુંબ અને સગાઈ-સંબંધોની સામાજીક સંસ્થાઓનું મહત્વ છે. વિવિધ પરિબળો અને પ્રક્રીયાઓની અસરને લીધે બ્રિટિશ શાસન કાળ દરમિયાન લગ્નસંસ્થામાં કેટલાક દૂરગામી પરિવર્તનોનો પ્રારંભ થયો અને સ્વતંત્ર ભારતમાં પરિવર્તનનાં પરિબળો અને પ્રક્રિયાઓનું વિસ્તૃતીકરણ થતાં લગ્નસંસ્થામાં પરિવર્તન ઝડપી બન્યું. શહેરીકરણ, ઐાદ્યોગીકરણ, આધૂનિકીકરણ, કાનૂનીકરણ, સંચારસાધનો, અંગ્રેજીશિક્ષણ વગેરે પ્રક્રીયાઓ અને પરિબળોએ લગ્નના ખ્યાલો, લગ્ન વિષેના આદર્શો, લગ્નની પધ્ધતીઓ વગેરે પર ઊંડી અસર કરી અને લગ્નસંસ્થામાં દૂરગામી પરીવર્તનો નિપજાવ્યાં.જેની અસરો લગ્નગીતો અને પૈરાણિક ફટાણા પર વર્તાણી છે.
કાર્યક્રમનાં પ્રારંભે ગુજરાતી વિભાગનાં અધ્યાપક ડો.પારૂલ ભંડેરીએ વિદ્યાર્થીઓને ભારતિય પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસા ની વાત કરતા જણાવ્યુ હતુ કે ‘મનુષ્ય જીવન ના ત્રણ મહત્વના પડાવો જન્મ, લગ્ન અને મૃત્યુ પૈકી જન્મ એ મનુષ્યજીવનનો આરંભ, લગ્ન મનુષ્યજીવનનો મધ્યભાગ, અને મૃત્યુ એ મનુષ્યજીવનનો અંત હોય છે. લગ્નના પ્રસંગમાં સમગ્ર સમાજ સંકળાય છે.દરેક પ્રસંગોમાં સંવેદનાની ધડકન લોકગિતો દ્વારા રજુ થતી હતી. આજનાં કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને જૂની પેઢીએ ગવાતા લોકગીતો, ફટાણા, મરસીયા, લગ્નગીતો એક સંદેશાનું વહન કરતા હોવાની જાણકારી રજુ કરશે.કાર્યક્રમનાં અધ્યક્ષ અને સંસ્કૃત, ગુજરાતી અને ઇતિહાસ વિભાગનાં વડા ડો.વિશાલ જોષી એ ભારતિય પૌરાણિક જીવનશૈલી અને પરંપરાઓ અંગે વાત કરતા જણાવ્યુ હતુ કે લગ્નગીત, ફટાણા અને લોકગીતની સમાજવ્યવસ્થા પર અસરો અને ભુમિકા વિશે આજની યુવાપેઢી વાકેફ થાય એ હેતુથી ગુજરાતી ભવનમાં કાર્યક્રમનું આયોજન સરાહનિય છે. સમાજવ્યવસ્થાની અલગ અલગ જ્ઞાતિસમુહ/ પ્રાંત પરગણામાં ગવાતા લગ્નગીતો, ફટાણા, લોકગીતો જીવન વ્યવસ્થાનો ભાગ હતો. આજે ગુજરાતી ભવનનાં વિદ્યાર્થીઓ દ્વારા રજુ થયેલ લગ્નગીતો, ફટાણા અને લોકગિતોમાં આધુનિકીકરણ જોવા મળ્યુ હતુ.
ડો.પારૂલ ભંડેરીએ જણાવ્યુ હતુ કે, ‘લોકવિદ્યા અને લોકસાહિત્ય વહેતું ઝરણું છે. લોકકંઠમાં સમાયેલ છે. જૂના લોકો પાસે આ સાહિત્ય તેમના કંઠમાં સચવાયેલ છે. તેને ગ્રંથસ્થ કરી લેવું અતિ આવશ્યક છે. સમય જતાં આ સાહિત્ય લુપ્ત થશે એવુ લાગે છે. લોકસાહિત્યના સ્વરૂપોમાં લોકગીતો- લગ્નગીતો- ફટાણા અને મરસીયાઓ મહત્વનું અંગ છે. લોકગીતો ‘ગ્રામગીત પ્રકૃતિના ઉદ્દગાર છે, એમાં અલંકાર નથી, કેવળ રસ છે, છંદ નહીં કેવળ લય છે, લાલિત્ય નહીં કેવળ માધુર્ય છે, ગામડાંના સ્ત્રી-પુરુષોની વચ્ચે હૃદય નામના આસન પર બેસીને પ્રકૃતિ ગાન કરે છે. પ્રકૃતિનું એ ગાન તે લોકગીત છે. લોકગીત’ તો ‘લોકોએ રચેલું, લોકો માટે જ રચાયેલું અને લોકોની મુખ પરંપરાએ ચાલ્યું આવતું ગીત’ લોકગીતોમાં હાલરડાં, બાળગીતો, વ્રતગીતો, શ્રમગીતો, લગ્નગીતો, આપણાં, કથાગીતો, ભવાઈગીતો, મરશિયાં વગેરેનો સમાવેશ થાય છે. લગ્ન, સગાઈ, અનાજ સાફ કરતી વખતે, કંકોતરી આપવાના સમય પર વગેરે પ્રસંગે લગ્નગીતો ગવાય છે.
જેમકે લગ્ન નક્કી કર્યા બાદ કંકોતરી સંબંધિઓને આપવામાં આવે છે. તે સમયનું લગ્નગીત મળે છે. કન્યા આગમન સમયના ગીતો, કન્યાની પધરામણી સમયના ગીતોમાં મામા-મામી ભેટ-સોગાદ આપે છે, તે વ્યવહારોનો ઉલ્લેખ જોવા મળે છે. તો વર-કન્યાની તુલના ચોરીમાં બેઠયા બાદ કેટલાક લગ્નગીતોમાં થયેલી જોવા મળે છે. તેમાં જે પક્ષની સ્ત્રીઓ ગીત ગાય છે, તે પક્ષને મહત્વ વધુ આપે છે. જેમ કે કન્યા પક્ષની સ્ત્રીઓ ગીત ગાતી હોય તો તે વરને કન્યાની તુલનામાં ઉતરતો દર્શાવે છે. કન્યા પિતાનું ઘર છોડીને ગયા પછી પિતા, માતા તથા અન્ય સભ્યોની દુઃખની લાગણી અનુભવે છે. તેનો ભાવ એકથી વધુ લગ્ન ગીતોમાં રજૂ થયો છે તે રીતે ફટાણાં પણ લગ્નગીતોનો એક લોકસાહિત્યનો ગીતપ્રકાર છે.
આ તકે કાર્યક્રમનું આભારદર્શન કરતા ડો.કિશોરસિંહ વાળાએ ઘેડ, ગીર અને બરડો-આલેચ,નાઘેર વિસ્તારનાં વિવિધ સમાજોનાં લગ્નગીતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. ગુજરાતી વિભાગ દ્વારા આયોજીત લગ્નગીત અને ફટાણાની વિસરાતી પરંપરાઓનથી યુવાઓ જાણકાર બને એ હેતે આયોજીત પ્રયાસને અભિનંદન આપતા જણાવ્યુ હતુ કે જુના લોકગીત, લગ્નગીત કે ફટાણાથી યુવાનો વાકેફ થશે. વિસરાતી પરંપરાઓને જીવંત રાખવા કાર્યપ્રેરક બનશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)