વિસાવદર પેટા ચૂંટણી : કોંગ્રેસની મિટિંગમાં બહુમતી ઠરાવ, ઉમેદવાર જાહેર કરવા પ્રદેશને વિનંતી!

વિસાવદર:
આજરોજ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાને રાખી મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હીરાભાઈ જોટવા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ ની અધ્યક્ષતામાં સંપન્ન થઈ.

આ બેઠકમાં જુનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતભાઈ અમીપરા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોષી, બાબુભાઈ વાજા, હમીરભાઈ ધુળા, પરબતભાઈ ચાવડા, જિલ્લા પ્રવક્તા ભરત વિરડીયા સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, જુનાગઢ જિલ્લાના દરેક તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખો તથા પ્રદેશ ડેલિગેટ્સ, ફ્રન્ટલ શેલ ડિપાર્ટમેન્ટના હોદેદારો અને વિસાવદર વિધાનસભા વિસ્તારના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

મહત્વનું છે કે, બેઠક દરમિયાન સર્વસંમતિથી એકઠો ઠરાવ કરાયો હતો જેમાં સ્પષ્ટપણે જણાવાયું કે ઉમેદવાર કોણ હશે તે બાબતે કોઈ વિવાદ નથી. સમગ્ર વિસાવદર કોંગ્રેસ એકતાપૂર્વક પેટા ચૂંટણી લડવા અને જીતવા માટે પ્રતિબદ્ધ છે. સાથે જ, રાજ્ય કક્ષાની કોંગ્રેસ સમિતિને વિનંતી સાથે એક ઠરાવ મોકલવામાં આવ્યો છે કે ઉમેદવારની વહેલી તકે જાહેરાત કરવામાં આવે જેથી સંઘર્ષ માટે તૈયારી મજબૂત બને.

કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોના ઉત્સાહ અને સહભાગિતાને કારણે આ બેઠક અત્યંત સક્રિય અને સંકલનપૂર્ણ બની રહી.

અહેવાલ: આસીફ કાદરી, વિસાવદર