વિસાવદર પેટા ચૂંટણી : જનરલ ઓબ્ઝર્વર ડો. હીરાલાલે તાલીમ અને સ્ટ્રોંગ રૂમ વ્યવસ્થાનો કર્યો નિરીક્ષણ

જૂનાગઢ,
૮૭-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર ડો. હીરાલાલે ચાપરડાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે આયોજિત પોલિંગ સ્ટાફની તાલીમ વર્ગ અને માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

તેઓએ પોલિંગ સ્ટાફ સાથે સીધો સંવાદ સાધતા જણાવ્યું કે, “ચૂંટણી ફરજ દરમિયાન તાલીમ અને જ્ઞાન જ તમારું સાચું શક્તિરૂપ બની શકે છે. શિસ્તબદ્ધ અને ટેકનિકલ રીતે તાલીમ પ્રાપ્ત કરીને જ ચૂંટણી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે છે.”

ડૉ. હીરાલાલે વધુમાં કહ્યું કે, ચૂંટણી પ્રત્યે જનજાગૃતિ વધારવાની સાથે પર્યાવરણ સંરક્ષણ અંગે પણ લોકોમાં જાગૃતિ લાવવાની કામગીરી જરૂરી છે. તેમણે “ગ્રીન ઇલેક્શન”ની સંકલ્પનાનો ઉલ્લેખ કરતાં વૃક્ષ, પાણી અને પ્રકૃતિ બચાવાના સંદેશ સાથે ચૂંટણી પ્રક્રિયાને જોડવાની વાત કરી.

ઉલ્લેખનીય છે કે ડૉ. હીરાલાલ હાલમાં ઉત્તર પ્રદેશ સરકારમાં સહકાર વિભાગના કમિશનર અને રજીસ્ટ્રાર તરીકે સેવા આપી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન મહિલા અને બાળ વિકાસ અધિકારી ચેતન સોજીત્રા પણ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ