જુનાગઢ ના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવે છે કે, જુનાગઢના ભવનાથ રોડ ઉપર આવેલ અપના ઘરમાં રહેતા તથા ખામધ્રોળ ચોકડી પાસે આવેલ મન વૃદ્ધાશ્રમના દિવ્યાંગ અને એમાં રહેતા વૃદ્ધોને વેરાવળ ખાતે આવેલ બાર જ્યોતિર્લિંગ સમા ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરાવવા માટેની જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા યાત્રા યોજવામાં હતી. આ યાત્રાને ઝાંઝરડા ચોકડી પાસે આવેલ જલારામ ભક્તિ ધામ ખાતેથી ડૉ. ભાર્ગવ ફળદુ (હોપ હોસ્પિટલ અને આઈ.સી.યુ., પ્રો. પી. બી. ઉનડકટ સહિત ઉપસ્થિત રહેલા મહેમાનોએ યાત્રાએ નીકળેલી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ હતી.
યાત્રામાં બાર જ્યોતિર્લિંગ સમા ભગવાન ભોળાનાથ સોમનાથ મહાદેવના દર્શન કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર સોમનાથ ખાતે શ્રી રામ સેવા મંડળ વેરાવળ ના સંયુક્ત ઉપક્રમે તમામ વડીલો માટે સુંદર મજાની ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી આપવામાં આવેલ હતી. જેમાં આ સંસ્થાના સભ્યશ્રીઓ શ્રી અશોકભાઈ પરમાર, કાનજીભાઈ દોરીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, ધનસુખભાઈ પીઠડ, મહેન્દ્રભાઈ રાયઠઠા, મહેશભાઈ રાજપોપટ, ભરતભાઈ ચોલેરા, કિરણભાઈ રૂપારેલ, નિખિલભાઇ રાજપોપટ સહિતના લોકોએ મીઠો આવકાર આપીને મહેમાનગતિ કરી હતી. સાથે દરિયાઈ ચોપાટીનો આનંદ કરાવવામાં આવેલ હતો. અને ત્યાંથી સોમનાથ હાઇવે ઉપર આવેલ હોટેલ આદિત્યના ભરતભાઈ ચોલેરા અને અશોકભાઈ ચોલેરાની ફાઇસટાર હોટલમાં તમામ વડીલોને મીઠો આવકાર આપીને સરસ મજાની ચા, પાણીની અને સાથે અલ્પાહારની વ્યવસ્થા કરી દરેક ઘરડા વૃદ્ધોને સુંદર મજાનો ઠંડીથી બચવા માટેનો ધાબળો અર્પણ કરવામાં આવ્યો હતો.
ત્યાંથી નીકળી તમામ યાત્રીઓને ત્રિવેણી સંગમની નદીનો આનંદ મણાવ્યો હતો. અને ત્યાં વેરાવળના સેવાભાવી શ્રી મનીષભાઈ અધ્યારૂ, મેહુલભાઈ ઉપાધ્યાય દ્વારા તમામ લોકોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. આ યાત્રામાં જોડાયેલા વૃદ્ધ વડીલોએ ગિરનારી ગ્રુપની કાર્યસૂચીને બિરદાવીને આનંદોત્સવ કરી સુભાષિશ પાઠવ્યા હતા. આ યાત્રામાં આવેલ વૃદ્ધોની સાર સંભાળ માટે ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓ શ્રી સમીરભાઈ દવે, દિનેશભાઈ રામાણી, ભરતભાઈ ભાટીયા, સચીનભાઈ ભાટીયા, કશ્યપભાઈ દવે, પરાગભાઈ ભુપ્તા સહિતના લોકોએ પોતાની સેવાઓ આપેલ હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)