કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના ફિટનેસ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત આજે વેરાવળ ખાતે પોલીસ વિભાગના ઉપક્રમે “સન્ડે ઓન સાઇકલ – ફિટ ઇન્ડિયા” સાઇકલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીનું પ્રારંભ સવારે 9 વાગ્યે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીથી કરવામાં આવ્યું હતું, જે નમસ્તે સર્કલ સુધી જઈ ફરી ત્યાંથી પરત સંસ્કૃત યુનિવર્સિટી ખાતે પૂરી થઈ હતી. રેલીને ગીર સોમનાથ પોલીસ હેડક્વાર્ટર સોમનાથ સુરક્ષા વિભાગના ડીવાયએસપી ખટાણા સાહેબ, વેરાવળ સીટી પી.આઈ. એચ.આર. ગોસ્વામી, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની તથા એલ.સી.બી.ના સિંધવ સાહેબ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ અવસરે પોલીસ વિભાગના વિવિધ શાખાઓ જેમ કે એલ.સી.બી., એસ.ઓ.જી., ટ્રાફિક, એસીબી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. શહેરની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તેમજ સામાજિક આગેવાનો પણ આ રેલીમાં જોડાયા હતા. ખાસ કરીને રેયોન કર્મચારી રાજેશ કોટેચા, ફિશરીઝ કોલેજના પ્રોફેસર કેતન ટાંક, રેડ ક્રોસના કમલેશ ફોફાંડી, અનિષ રાચ્છ તથા વેપારી આગેવાન ભરતભાઈ સહિતના સાઇકલ પ્રેમીઓએ સક્રિય ભાગ લીધો હતો.
રેલીમાં જોડાયેલા નાગરિકોએ સંદેશ આપ્યો હતો કે રોજ ઓછામાં ઓછો અડધો કલાક સાઇકલ ચલાવવાથી શરીર તંદુરસ્ત રહે છે અને પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. “સન્ડે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ” અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ નિયમિત રીતે યોજાતી રહેશે, તેવી માહિતી આપવામાં આવી હતી.
રિપોર્ટર : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ