વેરાવળ તાલુકાની સાત ગાયનેકોલોજિસ્ટ હોસ્પિટલનું આકસ્મિક ચેકિંગ – પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ કાર્યવાહી વેગવાન.

ગીર સોમનાથ જિલ્લામાં પીસી પીએનડીટી કાયદાનું ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની સૂચના હેઠળ વેરાવળ તાલુકાની સાત ગાયનેકોલોજિસ્ટ હોસ્પિટલનું આકસ્મિક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

જિલ્લાની સબ ડિસ્ટ્રિક્ટ એપ્રોવલ ઓથોરિટી-કોડીનારના જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ દ્વારા આ તપાસ ઝુંબેશ ચાલી હતી. તપાસ દરમિયાન પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ મુજબ હોવાના રેકોર્ડ્સ, ફોર્મ-એફ, સોનોગ્રાફી મશીન અને ઇમેજિંગ મશીનની વિગતો, મશીનના મોડેલ અને સીરિયલ નંબર વગેરેનું વિગતવાર ચેકિંગ કરવામાં આવ્યું હતું.

સાથે જ હોસ્પિટલમાં લાગેલું ભ્રૂણ પરીક્ષણ વિરોધી બોર્ડ અને અન્ય કાયદાકીય સૂચનાઓનું પાલન પણ નિહાળવામાં આવ્યું હતું. ડોક્ટર્સને સુચના અપાઈ હતી કે તેઓ hospitalના તમામ રેકોર્ડ કાયદા મુજબ સાચવી રાખે અને તેમાં કોઈ ક્ષતિ ન રહે તે સુનિશ્ચિત કરે.

તપાસ દરમિયાન ખાસ તાકીદ કરવામાં આવી હતી કે જો કોઈ સગર્ભા સ્ત્રી અથવા તેમના પરિવારજન ગર્ભમાં રહેલા ભ્રુણની જાતિ વિશે માહિતી માંગે, તો તેમને કાયદાનું જ્ઞાન આપી તેવા પ્રકારની માંગ ન કરવા સમજાવવાનો અને તાત્કાલિક તંત્રને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી.

દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે અને ભ્રૂણ હત્યા રોકવા માટે પીસી પીએનડીટી કાયદાની કડક અમલવારી કરવામાં આવે છે. આ ચેકિંગ અભિયાન પણ એ જ દિશામાં સઘન કામગીરીના એક ભાગરૂપે હાથ ધરાયું છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ–સોમનાથ