વેરાવળ,
વેરાવળના માછીમાર સમાજ માટે ગૌરવભર્યો ક્ષણ આવ્યો છે, જ્યારે વેરાવળના ધાર્મિક સંદીપભાઈ કુહાડા જાપાન ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જઇ રહ્યો છે. ધરમિકે તેના મહેનત અને પ્રતિભાથી માત્ર પોતાના પરિવાર અને સમાજ જ નહીં, સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ધાર્મિકે કરાટેમાં પોતાની સફર જિલ્લાની સ્થાનિક સ્પર્ધાથી શરૂ કરી હતી. ભાવનગર, અમદાવાદ, દિવ, વિશાખાપટ્ટનમ અને વડોદરા જેવી મોટાભાગની ચેમ્પિયનશિપમાં પોતાની પ્રભાવશાળી કળા દર્શાવી છે. અત્યાર સુધીમાં તેણે ત્રણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં દુનિયાના 10 દેશોના ખેલાડીઓ વચ્ચે તેણે ગોલ્ડ મેડલ જીતીને વિશ્વ સ્તરે પોતાનું કૌશલ્ય સાબિત કર્યું છે.
આગામી ઓગસ્ટ 2025માં જાપાનમાં યોજાનારી 40 દેશોની કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતમાંથી કુલ 16 ખેલાડીઓ ભાગ લેશે જેમાં ધાર્મિક પણ સામેલ છે. તે હાલ બ્લેક બેલ્ટ ફાઇ દાન સુધીની યાત્રા કરી ચૂક્યો છે અને પ્રવિણ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરાટેની સઘન તાલીમ લઈ રહ્યો છે.
સમસ્ત ખારવા સમાજના આગેવાન જીતુભાઈ કુહાડાએ યુવાનની ઉપલબ્ધિને બિરદાવી તેમનું સમ્માન કર્યું હતું તેમજ અન્ય યુવાનોને પણ રમતગમત અને આ રીતે મહેનત દ્વારા સમાજનું ગૌરવ વધારવા માટે પ્રેરણા લેવા અનુરોધ કર્યો છે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ