શાંતિ અને આધ્યાત્મના શુદ્ધ વૈદિક વાતાવરણ સભર જગ્યા એટલે બિલખા તાબાની પૂ.નથુરામ શર્માની તપોભુમી આનંદ આશ્રમ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સંસ્કૃતભવન, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આનંદાશ્રમ બિલખાનાં સંયુક્ત ઉપક્રમે દ્વારા ૨૩ જાન્યુઆરીનાં રોજ પૂ. નથુરામ શર્માનું સાહિત્યમાં યોગદાન વિષયે એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે.ભૌતિક જગતના પ્રવાસીઓને સંયમના પાઠ ભણાવી, તેમને આધ્યાત્મિક જગતનો પરિચય કરાવી, જીવન ધ્યેય પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ કરી, સન્માર્ગ તરફ દોરવા ભારતવર્ષમાં સમયાંતરે સંતો, મહાપુરુષો પ્રગટ થતાં રહે છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં જે સંત પરંપરા અસ્તિત્વમાં રહી છે, તેમાં આનંદઆશ્રમ બીલખાના અધિષ્ઠાતા મહાત્મા શ્રીનથુરામ શર્માનું નામ ઉલ્લેખનીય છે. નથુરામ શર્માએ વર્ષો અગાઉ સંસ્કૃત પાઠશાળાની સરિતા વહેતી કરી હતી. બ્રાહમણ સારસ્વતને પંડિતાઈના પાઠ પાઠશાળામાં આજે પણ અપાઈ રહ્યા છે. સનાતન વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે શ્રી નથુરામ શર્માએ આનંદઆશ્રમની સ્થાપના કરી હતી.

તા. ૨૩ જાન્યુઆરી-૨૦૨૫નાં નવાગામ બીલખા આનંદાશ્રમ ખાતે ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ.નાં કૂલપતિ ડો.અતુલભાઇ બાપોદરાનાં અધ્યક્ષસ્થાને પ્રાતઃ પ્રારંભ થનાર પૂ. નથુરામ શર્માનું સાહિત્યમાં યોગદાન વિષયે એક રાષ્ટ્રીય પરિસંવાદમાં વિદ્વાન વક્તાઓ દ્વારા પોતાનું પ્રેરક વક્તવ્ય આપી આનંદાશ્રમની સંસ્કાર અને સંસ્કૃતિમાં સમાજ પર અસરો વિષયે વાત કરશે. કાર્યક્રમ દરમ્યાન ચર્ચા સત્ર, શોધપત્ર વાંચન, સાથે વિદ્યાવાચસ્પતિ એવા ખ્યાતિપ્રાપ્ત ભાગવતાચાર્ય મહાદેવ પ્રસાદ મહેતા, અને આનંદાશ્રમનાં ટ્રસ્ટી કૈાશીક ત્રિવેદી બોધાત્મક વાત પ્રસ્તુત કરશે.


અત્રે ઉલ્લેખનિય છે કે આનંદાશ્રમનાં પુસ્તકાલયમાં જ્ઞાનવર્ધન કરતા અને પં.નથુરામ શર્મા લીખીત ઉપલબ્ધ પુસ્તકોમાં તત્વજ્ઞાન ના ગ્રંથોમાં કુલ ૩૭ ગ્રંથોમાં શ્રીઉપનિષદો : બાર મુખ્ય મૂળને ગુજરાતી ટીકા સાથે તથા ૧૦૬ ઉપનિષદોનો સાર, શ્રીઈશોપનિષત્‌, વેદાંતદર્શન સૂત્રો અન્વય અન્વયાર્થ, વેદાંતદર્શન સૂત્રો અન્વય અન્વયાર્થ ને વિસ્તૃત ગુજરાતી ટીકા સહિત. શ્રીમદ્‌ભગવદ્‌ગીતા મૂળ શ્લોક, શ્લોકાર્થ ને રહસ્યદીપિકાનામની વિસ્તૃત ગુજરાતી ટીકા સહ, ભગવદ્‌ગીતાદિ પંચરત્ન, વિષ્ણુસહસ્રનામ ટીકાસાથે, તદઉપરાંત યોગવિદ્યાના ગ્રંથો જેવા કે યોગકૌસ્તુભ, અષ્ટાંગયોગના અભ્યાસીઓને અતિ- ઉપયોગી યોગાસનોનાં ચિત્રોસાથે, યોગપ્રભાકર, નાથસ્વરોદય અને પૂજ્યપાદ મહારાજશ્રીનાં પત્રો જેવા કે સદુપદેશદિવાકર પ્રથમ થી છઠ્ઠું કિરણ, પત્રકલ્પમંજરી તદઉપરાંત ઉપદેશગ્રંથાવલીમાં ઉપદેશગ્રંથાવલિ અંક ૧ થી ૮૧ તથા ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્ય નાં ગ્રંથો (દ્રષ્ટાંતો સહીત) માં લખાયે ૫૧ પુસ્તકોમાં જેમ કે પરમસુખી થવાના ઉપાય, ઊલટી વાણીનું સ્પષ્ટીકરણ, સદુપદેશમાળા ભાગ ૧ અને ૨, શોકને દૂર કરવાના વિચારો અને સત્સંગની મહત્તા, શ્રીનાથવચનામૃત ભાગ ૧ થી ૪, નાતનધર્મ-પ્રેરણા એવા પુસ્તકો આજેય એટલા પ્રસ્તુ છે. કર્મકાંડ નાં ગ્રંથોનાં લખાયેલ આઠ ગ્રંથો જેવા કે શ્રીયજુર્વેદીય આહિ્‌નકપ્રકાશ, શ્રીસામવેદીય આહિ્‌નકપ્રકાશ, સામવેદીય સંધ્યાદિ નિત્યકર્મ, અથર્વવેદીય સંધ્યાદિ નિત્યકર્મ તથા લઘુપુરાણોક્ત નિત્યકર્મ, સ્ત્રીઓનું નિત્યકર્મ., ચારે વેદની ત્રિકાલી લઘુસંધ્યા, ઘુવૈશ્વદેવ, સ્ત્રીઓ માટે સૂર્યોપાસનના ખરડાઓ, શાંતિસૂક્તમ્‌ ખુબ જ્ઞાનપ્રદ પુસ્તકો છે. શ્રીનાથજીવનચરિત્ર ગ્રંથોમાં ઉપદેશ ગ્રંથાવલિ અંક ૮૨ થી ૧૧૭, શ્રીનાથ ચરિતામૃત પ્રથમ અને દ્વિતિય, તૃતિય પ્રવાહ, ગુરૂદેવનું સંક્ષિપ્ત જીવનદર્શન, શ્રી નાથચરિત માનસ, શ્રીનાથશતાબ્દી સ્મારક ગ્રંથ, સાર્ધશતાબ્દિ સ્મારક ગ્રંથ વાંચકોનાં પ્રિય છે.


જુનાગઢથી માત્ર ૨૨ કી.મી અંતરે આવેલા આનંદઆશ્રમ આમ તો પ્રસિધ્ધ શેઠ શાગાળશા અને રાણી ચંગાવતીની તપોભુમિ ની સમીપે આવેલ છે. લગભગ સવા સો વર્ષ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાનાં મોજીદડ ગામે પવિત્ર ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં પિતાશ્રી પીતાંબર રાવળ અને માતા નંદુબાનાં સંતાન રૂપે નથુરામ શર્માનો જ્ન્મ થયો હતો. મોજીદડ અને ચુડાની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવી, ચોટીલા પાસેના મેવાસા ગામે જ્યોતિષનો અભ્યાસ પણ કર્યો હતો. શ્રી શર્મા એ અડવાણા, લીંબુડા અને જાફરાબાદમાં પ્રાથમિક શિક્ષકની નોકરી કરી હતી. તે ગામોમાં, મોટી ઉંમરના લોકોને ભેગા કરીને સત્સંગ કરતા અને આધ્યાત્મિક ચર્ચા કરતા. તેમના જ્ઞાનથી ત્યાં લોકો પ્રભાવિત થતા હતા. કહેવાય છે કે અડવાણા ગામે અરડેશ્વર મહાદેવની પુજા અર્ચન વેળાએ શિવ સન્મુખ બની પુષ્પ સ્વીકાર થયાની વાત કિવદંતી રૂપે સાંભળવા મળે છે. તેમનાં લગ્ન કરવાનું નક્કી થયું ત્યારે ગૃહત્યાગ કરીને હિમાલય ગયા. કેટલોક સમય ઉપવાસો કરી, અષ્ટાંગ યોગની સિદ્ધિ મેળવી. એમ કહેવાય છે કે તેમને ભગવાન શંકરનાં દર્શન થયાં હતાં. ત્યારથી તેઓ ‘નાથ ભગવાન’ તરીકે પ્રસિદ્ધ થયેલા, બાળપણ પછી આત્મસંયમ, નિરીક્ષણની તિવ્રભાવના, અને ભક્તિ અનંત સત્યની શોધ, “આત્મા” ની શોધ, યોગના વિવિધ સિદ્ધાંતો, વૈદિક અભ્યાસ, ભક્તિ પર નિપુણતા જેમનાંમાં જોવા મળે તેવા અને લોકો જેમને દેવતાના રૂપમાં જોતા એવા પૂ. નથુરામ શર્માએ જૂનાગઢ પાસે બીલખામાં આનંદાશ્રમની સ્થાપના કરી જ્યાં સંધ્યાવંદન આદિ આચાર, વર્ણશુદ્ધિ, શાસ્ત્રગ્રંથોનું સંપાદન, પઠન-પાઠન, આધ્યાત્મિક ચર્ચાઓ વગેરે પ્રવૃત્તિઓ નિત્ય થતી હતી. ધર્મપ્રચાર માટે બીલખા ઉપરાંત પોરબંદરનાં અડવાણા, મોજીદડ, લીંબુડા, ધ્રાફા, કરાંચી અને અમદાવાદ મુકામે આશ્રમ અને સુસંસ્કૃત શિક્ષણ માટે આમલા અને ભાવનગર ખાતે દક્ષિણામુર્તિ વિદ્યાલયો સ્થાપવામાં આવ્યા હતા. પાકિસ્તાનની રચના થયા પછી, કરાંચીનો આશ્રમ બંધ થતા અનુયાયીઓ ભારતમાં આવીને વસ્યા હતા.

અહીં ગુરુપુર્ણિમા તથા કાર્તિકી પુર્ણિમાના વિશેષ પર્વ પ્રસંગે ઘણો મોટો લોકસમુદાય આશ્રમમાં આવી દર્શન-પૂજન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. કેટલાક શ્રદ્ધાળુઓ લગ્ન પ્રસંગે નવદંપતીની છેડાછેડી છોડીને, પૂ. શ્રી નથુરામ શર્માના શ્રદ્ધાસભર દર્શન કરી મંગળ આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત અહીં આશ્રમમાં નિત્યક્રમે સવાર-સાંજ આરતી, ભજનની રમઝટનો સુંદર નઝારો જોવા મળે છે. એટલું જ નહીં, અહીં શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ થાય છે. દરવર્ષે વૈશાખ સુદ પાંચમના દિવસે અહીં સમૂહ યજ્ઞોપવીતનું આયોજન કરવામાં આવે છે. તેમજ ફાગણ સુદ પાંચમના રોજ પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. ૯૩ વર્ષથી અહીં “આનંદ આશ્રમ પત્રિકા” પ્રકાશિત થાય છે. પ્રકૃતિ વચ્ચે સજ્જ શાંત, રમણીય વાતાવરણમાં આવેલો આનંદ આશ્રમ ખરેખર દર્શનીય સ્થળ છે, તો એક વખત અચૂક મુલાકાત લેવા જેવી ખરી…!!!
અત્રે ઉલ્લેખનિય છે કે શ્રી નથુરામ શર્માએ સનાતન ધર્મના ઉપદેશકો તૈયાર કરવા વાસ્તે શ્રી દક્ષિણામૂર્તિ સનાતન ધર્મવિદ્યાલય તથા તદંગભૂત શ્રી દક્ષિણામૂર્તિ સંસ્કૃત પાઠશાળા સ્થાપી ભક્તિયોગ અને જ્ઞાનવિષયક ૧૧૭ જેટલા ગ્રંથો રચ્યા છે. તેમાં ‘વેદાંતદર્શન’, ‘પાતંજલ યોગદર્શન’, ‘યોગકૌસ્તુભ’, ‘નાથસ્વરોદય’, ‘સાંખ્ય-પ્રવચન’, ‘શ્રીનાથસાધના’, ‘સદુપદેશ દિવાકર’ વગેરે ખુબ બૈાધ્ધીક રીતે જ્ઞાન વર્ધન કરી રહ્યા છે. શ્રી શર્માએ અનેક ગામોના પ્રવાસો યોજી લોકોને ધર્મનાં રહસ્યો સમજાવ્યાં તથા ધર્મનો પ્રચાર કર્યો હતો. તેઓ સનાતન ધર્મનો પ્રચાર તથા તેનાં સંરક્ષણ અને સંવર્ધન કરવાનું કામ કરતા અને પોતાના શિષ્યો દ્વારા ધર્મની પ્રવૃત્તિ અખંડિત ચાલુ રાખતા હતા.

નોંધનીય છે કે ધૂમકેતુ, કલાગુરૂ રવિશંકર રાવળ, નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા જેવા લેખકો અને કેળવણીકારોના જીવનઘડતરમાં શ્રીમન્ન નથુરામ શર્માનું નોંધપાત્ર પ્રદાન છે. ગુજરાત-સૌરાષ્ટ્રના સંખ્યાબંધ લોકોને ધર્માભિમુખ કર્યા. શ્રીનાથવચનામૃત કહે છે કે નેત્રમાં, અંતઃકરણમાં ને જીવમાં ઈષ્ટદેવની જ ઝંખના વધારવી તેમાંજ ચિત્તની એકાગ્રતા કરવી. ત્રણ અવસ્થાથી પર સહજાવસ્થામાં અનુભવાતો આપણો સહજાનંદ (સ્વાભાવિક આનંદ) એટલો ઉત્કૃષ્ટતમ છે કે તે પરમાનંદ આગળ સ્વર્ગનાં દિવ્ય સુખો પણ નરકતુલ્ય પ્રતીત થાય છે. જેમ ઇંધણ ન નાંખવાથી અગ્નિ કર્મથી શાંત થઇ જાય છે તેમ વિષયોપભોગથી દૂર રાખેલું મન પોતાના વિવર્તોપાદાન કારણ કૂટસ્થમાં વિરામ પામે છે. મન, નેત્ર ને શ્રોત્રને તેમના વિહિત વિષયમાં જોડી રાખવાનો સ્વભાવ પાડવાથી તેઓ પોતપોતાના નિષિધ્ધ વિષયમાં જતાં નથી; તેથી સાધકે તેમને સર્વદા ઉત્સાહપૂર્વક વિહિત વિષયમાં જ રોકી રાખવાં જોઇએ. સાધકે પોતાનાં નેત્રને બહુ વશ વર્તાવવાં જોઇએ. ચિત્તમાં વિકાર ઉપજાવે એવું કાંઈ પણ જોવા તેમની પ્રવૃત્તિ થવા દેવી નહિ, ને કદાચ તેવી પ્રવૃત્તિ કરે તો સાવધાન થઇ વિવેકને બલવાન કરી તે પ્રવૃત્તિને રોકવી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)