પોલીસની ખોટી ઓળખ આપી હનીટ્રેપમાં એક વ્યક્તિને ફસાવી રૂપિયા પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા તેમજ અમદાવાદ ખાતે દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. જોકે, આ આરોપીની ભૂતકાળમાં સુરત શહેરના વરાછા અને સુરત જિલ્લાના કામરેજ ખાતે પણ હનીટ્રેપના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે.
સુરત શહેર સતત બની રહેલા ગુનામાં સંડોવાયેલા આરોપી પકડી પાડવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું ત્યારે સુરત પોલીસને જાણકારી મળી હતી કે પોલીસ અને મીડિયાની ઓળખ આપીને તોડ કરનાર વ્યક્તિ હાલ પોલીસ પકડથી દૂર છે. આ આરોપી મોટા વરાછા ખાતે આવેલા તળાવ ખાતે હોવાની માહિતીના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપી જીતેશ ઉર્ફે હીતેશ ઉર્ફે માધુરી ઉર્ફે જીતો રસીકભાઈ ધરજીયા મૂળ અમદાવાદના બાવળાનો રહેવાસી છે.આરોપી જીતેશ રસીકભાઈ ધરજીયા આશરે દોઢેક વર્ષથી અમદાવાદ જિલ્લાના ધોલેરા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી-વેચાણના ગુનામાં નાસતો ફરતો છે.
આ સિવાય આજથી આશરે વીસેક દિવસ પહેલા તેણે તથા દક્ષા અકોલીયા, દુર્ગા બલદાણીયા, માથા સઈડા, પ્રવીણ રાઠોડ, પાર્થ ઢોલા તથા એક અજાણી મહિલા સાથે મળી ફરિયાદીને શારીરિક સુખ માણવાના બહાના હેઠળ હનીટ્રેપમાં ફસાવવા માટે અગાઉથી કાવતરું રચી તેને કુંભારીયાગામ ઈશ્વરદર્શન એપાર્ટમેન્ટ ફ્લેટ નં.301માં બોલાવી તેને સુરત પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી પોલીસમાં એફઆઈઆર કરવાની તથા પ્રેસ મીડિયામાં આપી દેવાની ધમકીઓ તથા ગાળો આપી તથા માર મારી રોકડા રૂપિયા 41 હજાર તથા બીજા ઓનલાઈન મની ટ્રાન્સફર દ્વારા મેળવીને આશરે સાડા ચાર લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધા હોવાની પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી.