શાસ્ત્ર સાથે શસ્ત્ર પૂજનની સનાતન પરંપરા પ્રમાણે દશેરા નિમિત્તે શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજએ યોજી રેલી અને શસ્ત્ર પૂજન

જૂનાગઢ

વિજયા દશમી એટલે રાજપુત ક્ષત્રિયોની દિવાળી આ ઉત્સવમાં જુનાગઢ ખાતે ઝાંઝરડા ચોકડી નીલકંઠ પાર્ટી પ્લોટ પરથી કેસરિયા સાફા સાથે વાહન રેલીનું પ્રસ્થાન થયું. ઝાંઝરડા રોડ, ઝાંસીના પૂતળા પાસે, મોતીબાગ સહિત અનેક જગ્યાએ વિવિધ સમાજએ રેલીને ફૂલોથી વધાવી અને આગેવાનોને સન્માનિત કર્યા. ભગવા ધ્વજના નેજા હેઠળ જય ભવાની ના સૂત્રોચાર સાથે રાજપૂત સમાજ ને નિહાળતા શહેરીજનોને પણ વીર રસનો અહેસાસ થયો.ભૂતનાથ ખાતે આવી પહોંચેલ રેલીને શ્રી ગોડ બ્રહ્મસમાજ તથા સામવેદ સંસ્કૃત વિદ્યાલયના સહયોગથી શસ્ત્ર પૂજનની ગોઠવણી કરાયેલ. જેમાં ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી તલવાર -કટારી -રિવોલ્વર વિ. આયુધોનું પૂજન-અર્ચન કરાવેલ. આ તકે મા. ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ પણ ફૂલોથી આ ઉપક્રમ વધાવીને શસ્ત્ર પૂજન માં સહભાગી થયા.સમગ્રત: કમોસમી વરસાદના માહોલમાં પણ જૂનાગઢના વિવિધ રાજપૂત સમાજના આગેવાનો અને સભ્યો ઉમટી પડેલ. જેમાં કાઠી રાજપૂત,ગિરાસદાર રાજપૂત ,હાટી રાજપૂત , નાડોદા રાજપૂત ,ભાટી રાજપૂત , ખાંટ રાજપૂત , પુરબિયા રાજપૂત , કારડીયા રાજપૂત , મૈયા રાજપૂત , સોરઠિયા રાજપૂત સહિતના દરેક ક્ષત્રિય રાજપૂત સમાજ જોડાયા અને દેશની સુરક્ષા અખંડિતતા સાથે ગૌ -બ્રાહ્મણ રક્ષા માટે સંકલ્પ દોહરાવેલ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)