શુગર મિલના સભાસદ ખેડૂતોને ઓવરડ્રાફ્ટ-કિસાન કેક્રિટ લોનના વ્યાજમાં રાહત આપો

સુરત ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંક સાથે સંકળાયેલા સુરત-તાપી જિલ્લાના અંદાજે 2 લાખથી વધુ ખેડુતો સભાસદોને મોંઘા બિયારણ,મજુરીના વધેલા દર,માવઠાની મારથી વધેલા ઉત્પાનખર્ચ ને ધ્યાને લઈને ઓવરડ્રાફ્ટ અને કીસાન ક્રેડીટ લોનમાં 3 લાખને બદલે પાંચ લાખ સુધીના વ્યાજમાં માફી આપવા માંગ ઉઠી છે.

સુરત ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક સાથે સુરત જિલ્લાના કાંઠાવિસ્તાર, સાયણ, કામરેજ, બારડોલી, મહુવા,વ્યારા, ચલથાણ તથા માંડવી શુગર મળીને કુલ 2 લાખથી ખેડુત સભાસદ છે. વાર્ષિક અંદાજે રૃ.10 હજાર કરોડથી પણ વધુ ટર્ન ઓવર ધરાવતી ધી સુરત ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકમાં સુરત-તાપી જિલ્લાની શુગર ફેકટરી સાથે સંકળાયેલા ખેડૂતો-સભાસદો ક્રોપ લોન, કિસાન ક્રેડીટ કાર્ડ તથા અન્ય લોન મળીને 20 થી 25 ટકા લોન લે છે.ગત વર્ષે-2023-24 કરતા ચાલુ વર્ષની સીઝન 2024-25 અંદાજે 15 દિવસ મોડી શરૃ થઈ છે. સુરત ડીસ્ટ્રીક બેંક ખાંડ પર વાર્ષિક 9 ટકા વ્યાજ લે છે. જેમાં ટર્મ લોન મોડીફિકેશન 8.25 અને વર્કીંગ કેપીટલ લોન 8.25 ટકા નો સમાવેશ થાય છે. હાલમાં બારડોલી, ચલથાણ, મઢી, મહુવા, સાયણ, કામરેજ તથા કોપર સુગર સહિતની મિલોમાં 970 કરોડ જેટલી ઓવરડ્રાફટની રકમ મંડળીઓ મારફતે લેવામાં આવી છે.

સહકારી સંસ્થાઓની સ્થાપનાકાળથી અત્યાર સુધી બેંકની સફળતા તથા મહત્તમ નફામાં શુગર ફેકટરીઓ સાથે સંકળાયેલા ખેડુતો સભાસદોના વ્યાજની આવકનો સિંહફાળો રહ્યો છે. પરંતુ હાલમાં બજારમાં ખાંડ તથા આડપેદાશોની અનિશ્ચિત પરિસ્થિતિ રહેવાના લીધે શુગર ફેકટરી ખેડુતોને સારા ભાવ આપી શકી નથી. મજુરીના ઉંચા દર, સિંચાઈ, રાસાયણિક ખાતરના ભાવોમાં વધારો થવા પામવા સાથે માવઠાના મારને લીધે હાલમાં ખેડુતો પર લોનના વ્યાજ દરનું ભારણ વધવા પામ્યું છે.