હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને અતિ પવિત્ર અને શુભ મહિનો માનવામાં આવે છે. આ માસમાં ભક્તિભાવ, તપ અને તહેવારોનું વિશેષ મહત્વ હોય છે. આવો જ એક મહત્વપૂર્ણ તહેવાર એટલે કે રક્ષાબંધન, જે ભાઈ-બહેનના પવિત્ર સ્નેહનું પ્રતિક છે.
આજ રોજ કરજણ ખાતે ભાજપના સ્થાનિક કાર્યાલય ખાતે ‘રક્ષાબંધન કાર્યક્રમ’ યોજવામાં આવ્યો, જેમાં કરજણ વિધાનસભાના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ, કાર્યકર્તા બહેનો અને પાર્ટીના હોદ્દેદારોએ ઉમંગભેર ભાગ લીધો હતો.
કરજણ AMPC ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ખાસ આમંત્રણ ધરાવતા કરજણ-શિનોર-પોર વિધાનસભાના યુવા અને લોકપ્રિય ધારાસભ્ય અક્ષય પટેલે ઉપસ્થિત રહી બહેનોના આદરનું માન રાખ્યું. સાથે કરજણ નગર ભાજપ પ્રમુખ વિમલભાઈ ભટ્ટ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, પાલિકા કારોબારી ચેરમેન ઉપેન્દ્રભાઈ શાહ સહિતના અગ્રણીઓએ પણ હાજરી આપી બહેનો પાસેથી રાખડી બંધાવી શ્રાવણ પર્વની શુભેચ્છાઓ સ્વીકારી હતી.
કાર્યક્રમ દરમિયાન બહેનો દ્વારા વિવિધ ધાર્મિક શ્લોકો અને સંસ્કૃતિક ગીતોની પ્રસ્તુતિ પણ આપવામાં આવી હતી, જે સમગ્ર વાતાવરણને ભાવનાત્મક અને શ્રદ્ધામય બનાવી દીધું. બહેનોએ પોતાના ભાઈ સમાન આગેવાનોને રાખડી બાંધી સ્વસ્થ, નિરામય જીવન માટે આશીર્વાદ માગ્યા અને પોતાના પરિવારજનો માટે પણ શુભેચ્છાઓ પાઠવી.
આ પ્રસંગે ધારાસભ્ય અક્ષય પટેલે બહેનોને સંબોધિત કરતાં કહ્યું કે, “સંસ્કૃતિ જ આપણો આધાર છે અને આવા તહેવારોથી સમાજમાં સ્નેહ, સમર્પણ અને સંયમના મૂલ્યો વિકસે છે. બહેનો એ સમાજની ભાવનાત્મક શક્તિ છે અને રક્ષાબંધનના દિવસે તેઓએ આપેલી શુભેચ્છાઓ માટે હું હૃદયપૂર્વક આભારી છું.”
અંતે, ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સૌ બહેનોના કુટુંબ માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે તેઓ સૌ નિરોગી, સુરક્ષિત અને સુખી જીવન જીવે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંસ્થાની સજ્જતાપૂર્વક વ્યવસ્થા જોવા મળી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા પાછળના યોગદાન માટે બહેનો અને કાર્યકર્તાઓની પ્રશંસા થઈ હતી.
અહેવાલ: મનોજ દરજી, કરજણ.