શ્રાવણ શુક્લ સપ્તમીએ સોમનાથ મહાદેવનું અદભૂત પીળા પુષ્પ શૃંગાર – પ્રકાશ અને ભક્તિનું અજોડ મેળમેળ.

સોમનાથ, તા. ૩૧ જૂલાઈ – શ્રાવણ શુક્લ સપ્તમીના પાવન દિવસે વિશ્વવિખ્યાત આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનો અલૌકિક પીળા પુષ્પોથી વિશેષ શૃંગાર કરાયો હતો. ભોળાનાથના ગર્ભગૃહમાં આજે જ્યાં નજર જાય ત્યાં ઉજાસ અને ભક્તિનો અહેસાસ થતો હતો. જાણે કે આખું મંદીર તેજમય બની ગયું હોય.

આ શૃંગાર પાછળ ઊંડો અર્થ છુપાયેલો છે. પીળો રંગ માત્ર સુંદરતા માટે નહીં, પરંતુ તે પ્રકાશ, જ્ઞાન, આધ્યાત્મિકતા અને ચૈતન્યનો પ્રતિક ગણાય છે. જ્ઞાનની શરૂઆત શિવભક્તિથી થાય છે અને અજ્ઞાનના અંધકારનો અંત પણ શિવ ભક્તિ દ્વારા શક્ય છે. એવી માન્યતા છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક શિવને એક પુષ્પ અર્પણ કરે છે, તેને અનેક રત્નોની સમક્ષ પણ ઊંચું માન અપાય છે.

આજે સોમનાથ મંદિરમાં અલંકૃત શિવલિંગ દર્શન માટે હજારો ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાન શંકરની આરાધનાથી પોતાના જીવનને પ્રકાશમય બનાવવા માટે પ્રાર્થના કરી. ગર્ભગૃહમાં છવાયેલા પીળા પુષ્પોના સુંદર દ્રશ્યોના દર્શનથી ભક્તોની ભક્તિ ઊંડાઈથી જોડાઈ ગઈ હતી.

પીળા પુષ્પો દ્વારા કરાયેલ પૂજા મન, બુદ્ધિ અને આત્માને શુદ્ધ કરતી હોવાની ધારણા છે. આજે સોમનાથ મહાદેવને અર્પણ થયેલા દરેક પુષ્પમાં ભાવના, શ્રદ્ધા અને પ્રકાશનું ઊંડું સંદેશ સમાયેલો છે – કે શિવ માત્ર ત્રિપુરાંતક નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડના આધાર છે.

આ અવસરે મળેલો સંદેશ એ છે કે આપણું જીવન પણ પીળા રંગની જેમ પ્રકાશમય અને શાંતિથી ભરેલું હોવું જોઈએ. ભક્તિમાં ભાવ હોય તો એક નાનું પુષ્પ પણ મહાદેવને પ્રસન્ન કરી શકે છે.

📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.