શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વસંધ્યાએ સોમનાથ મહાદેવને વેદોક્ત સ્વરઅભિષેક.

સોમનાથ તા.18 ઑગસ્ટ : શ્રાવણ માસ હવે અંતિમ ચરણમાં છે ત્યારે સોમનાથ મહાદેવના દર્શન માટે દેશના વિવિધ પ્રાંતોમાંથી ભક્તજનોનું સોમનાથ ખાતે આગમન થઇ રહ્યું છે.

આ પાવન પ્રસંગે શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વસંધ્યાએ કર્ણાટકના શ્રૃંગેરીથી આવેલા ભૂદેવ બ્રાહ્મણ યાત્રિમંડળે ભગવાન સોમનાથને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સ્વરઅભિષેક અર્પણ કર્યો હતો. પવિત્ર વૈદિક મંત્રોચ્ચારના ધ્વનિએ સમગ્ર સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. આ અવસર પર ભૂદેવોએ વિશ્વ કલ્યાણ માટે ભગવાન શિવ સમક્ષ પ્રાર્થનાઓ કરી હતી.

આ દરમિયાન પ્રસંગના સાક્ષી બનેલા શ્રદ્ધાળુઓએ આ વૈદિક અભિષેકને જીવનનું અનોખું પાવન પળ ગણાવ્યું.

શ્રાવણના અંતિમ સોમવારે પૂજ્ય કથાકાર રમેશભાઈ ઓઝા ભાઈશ્રીએ પારંપાલખી યાત્રાનું પૂજન કરી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ તેમણે સોમનાથ મહાદેવની બિલ્વાર્ચના અને વિશિષ્ટ અભિષેક કરી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા.

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતા હેઠળ ચાલી રહેલી યાત્રાળુ સુવિધાઓ અંગે તેમણે સંતોષ વ્યક્ત કરી મંદિર પ્રશાસનનો સાધુવાદ કર્યો હતો.

આ પવિત્ર અવસર પર હજારો ભક્તો પગપાળા તથા વાહન દ્વારા સોમનાથ પહોંચ્યા હતા. સવારે પ્રાર્થના આરતી દરમિયાન વરૂણ દેવના આશીર્વાદરૂપે સોમનાથ મહાદેવનો જલાભિષેક થવા પામ્યો હતો. મહાદેવને પુષ્પ, ચંદન અને ભસ્મથી અલંકૃત શૃંગાર કરાયો હતો જેના દર્શનથી ભક્તજનો અભિભૂત બની ગયા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ