સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ – જૂનાગઢ દ્વારા તા. ૧૧-૦૭-૨૦૨૫ના રોજ ખામધ્રોળ વિસ્તાર, ૬૬ કે.વી. પાસે આવેલી વીડી વિસ્તાર સીમ પ્રાથમિક શાળામાં શિક્ષણ અને પર્યાવરણને અનુલક્ષીને વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ઝૂંપડપટ્ટી અને આર્થિક રીતે નબળા વર્ગના અંદાજે ૨૦૦ જેટલા બાળકોએ શૈક્ષણિક કીટનો લાભ લીધો. બાળકોને નાસ્તા સાથે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનાથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.
આ સાથે ‘મારી પ્રાથમિક શાળા’, સુખનાથ ચોક, જૂનાગઢ ખાતે પણ બાલવાટિકા અને ધોરણ પહેલા પાઠભણતા બાળકોએ રમકડાંનું વિતરણ થયું હતું.
શાળાની પ્રિન્સિપાલ શ્રીમતી જિજ્ઞાસાબેન ગોહિલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહેમાનો તથા સંસ્થા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને બાળકો માટે આવી સહાયકારક પ્રવૃત્તિઓને વખાણતા કહ્યું હતું કે, આવા કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વિશેષ નોંધનીય છે કે, અગાઉ આ શાળાને સ્વ. દામજીભાઈ બેચરભાઈ પરમાર દ્વારા વોટર કૂલરની ભેટ આપવામાં આવી હતી. આજે તેમના પરિવારજન પુષ્પાબેન પરમાર દ્વારા ફરી એક નવી પહેલ હેઠળ રૂ. ૧૫,૦૦૦ના ખર્ચે વોટર ફિલ્ટર આપવાની જાહેરાત કરવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, નિવૃત્ત આર.એફ.ઓ. બાબુભાઈ લાઠીયા, વિજયાબેન લોઢીયા, પુષ્પાબેન પરમાર, શાંતાબેન બેસ, દયાબેન માણેક, અલ્પેશભાઈ પરમાર, ચંપકભાઈ જેઠવા, બટુકબાપુ, જયાબેન પરમાર, મુકેશગીરી મેઘનાથી, અરવિંદભાઈ મારડિયા, રાજેન્દ્રભાઈ ચુડાસમા અને મનોજભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ