સમગ્ર રાજ્યમાં મામલતદાર કચેરીથી લઇને કલેકટર કચેરી સુધી તમામ ફાઈલ પ્રક્રિયા ‘ઈ- સરકાર’ મારફતે અમલીકરણ કરનારો પ્રથમ જિલ્લો જુનાગઢ

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લો સમગ્ર રાજ્યમાં ‘ઈ – સરકાર’ના અમલમાં અગ્રેસર બન્યો છે. જિલ્લાની કલેકટર, પ્રાંત, મામલતદાર સહિતની કચેરીઓનો પત્ર વ્યવહાર હવે સંપૂર્ણપણે ઈ – સરકાર એપ્લિકેશન મારફત થઈ રહ્યો છે એટલે કે, કોઈપણ સરકારી કાગળ સંબંધિત અધિકારીઓને રીયલ ટાઈમ મળી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને મહેસુલ વિભાગ સંબંધીત તમામ પત્ર વ્યવહાર ઈ – સરકારના માધ્યમથી થઈ રહ્યો છે. જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ વહીવટને પેપરલેસ ઝડપી અને સરળ બનાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર આપી રહ્યા છે. તેમણે જિલ્લાના મહેસુલ વિભાગના અધિકારી કર્મચારીઓને ‘ઈ – સરકાર’ પ્રોજેક્ટના અમલ માટે તાલીમબદ્ધ કર્યાં સાથે જ પેપરલેસ અને ઝડપી વહીવટી પ્રક્રિયા માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા. જેના પરિણામે આજે પત્ર વ્યવહારમાં બિનજરૂરી વિલંબ ટળ્યો છે અને પ્રજાલક્ષી કામોને નવો વેગ મળ્યો છે.

આમ, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની વહીવટને પેપરલેસ, ઝડપી અને સરળ બનાવવાની નેમને સફળતા મળી છે અને જૂનાગઢ જિલ્લો મહેસુલી કામગીરી ‘ઈ – સરકાર’ મારફત કરવામાં રાજ્યમાં ટોચના સ્થાને છે.

જિલ્લામાં ઈ – સરકાર પ્રોજેક્ટની અમલવારી માટે કલેકટરશ્રીએ પ્રાંત અને મામલતદાર કચેરીના કાગળોને સ્કેનિંગ માટે સ્કેનર સહિતના સાધનોની ત્વરિત ફાળવણી પણ કરી હતી. ઉપરાંત જિલ્લાની મહેસુલ સિવાયની અન્ય સરકારી કચેરીઓમાં ‘ઈ – સરકાર’ થકી પત્ર વ્યવહાર કરવામાં તે માટે જરૂરી સૂચનાઓ કલેકટરશ્રીએ આપી છે.

ઉલ્લેખનીય છે કે, ઈ – સરકારમાં અધિકારીએ સહી પેનથી નહીં પણ e-sign મારફતે થાય છે. ઉપરાંત ઈ – સરકાર એપ્લિકેશનના માધ્યમથી વહીવટી પ્રક્રિયા પારદર્શી બને છે, સાથે જ પેન્ડિંગ કાગળોનું મોનિટરિંગ તથા સમીક્ષા કરવી સહેલું બને છે અને કોઈપણ ફિઝીકલ સરકારી ફાઈલની સાચવણી અને નિભાવણી માટે જગ્યા રોકાયેલી રહે છે, જેથી ફિઝીકલ ફાઈલની સાચવણીના પ્રશ્નોનું નિરાકરણ આ ઈ- સરકારની કામગીરી દ્વારા ખૂબ સરળતાથી સરળ બન્યુ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)