સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે જિલ્લા કક્ષા શાળાકીય વોલીબોલ સ્પર્ધા યોજાઈ.

કેશોદ

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર,સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી- જુનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત શાળાકીય રમતોત્સવ ૨૦૨૪-૨૫ અંતર્ગત જુનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું સુંદર આયોજન સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કરવામાં આવ્યું.ભાઈઓ અને બહેનોમાં અલગ અલગ તાલુકાના વિજેતા અંડર ૧૪,૧૭ અને ૧૯ વય જૂથમાં કુલ ૪૪ જેટલી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.આ સ્પર્ધામાં ડી.એલ.એસ.એસ.શાળાઓ,ઈન સ્કૂલો,સૈનિક સ્કૂલ,પ્રાથમિક ,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખેલાડીઓએ જુદા જુદા તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.સ્પર્ધાના પ્રારંભે શાળાના આચાર્યશ્રી બી.એસ.ભાવસારે તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.સ્પર્ધાના કન્વીનર ડૉ.હમીરસિંહ વાળાએ “નશા મુક્તિ અભિયાન”ના શપથ લેવડાવ્યા હતા.જેમાં ખૂબ બહોળી સંખ્યામાં ખેલાડીઓ,ટીમ મેનેજર,વ્યાયામ શિક્ષકો,આદર્શ નિવાસી શાળાના એમ.ડી.દાહીમાં,એસ.એચ.મુછાળ,સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અલગ અલગ તાલુકાના ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી જે આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ જુનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.સ્પર્ધાના સુંદર આયોજન અને વ્યવસ્થા બદલ જિલ્લા રમત ગમત અધિકારી ગૌરાંગ નરેએ અભિનંદન પાઠવ્યા હતા અને ખેલાડીઓ રાજ્યકક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)