કૃષિ વનીકરણ સંશોધન કેન્દ્ર, સ.દાં. કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે એક દિવસીય ખેડૂત શિબિર યોજાઈ હતી. આ તાલીમમાં અમીરગઢ તાલુકાના જેથી અને ગોદડપુરા ગામના ખેડૂત ભાઈ–બહેનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડૉ.એ.એચ.સિપાઈ, સહ સંશોધન વૈજ્ઞાનિકે ખેડૂતોને આવકારી, બદલાતા ખેત આબો હવામાનને રોકવા માટે શેઢા પાળે તેમજ બાઉન્ડ્રી પ્લાનટેશન કરી, વૃક્ષારોપણની રાષ્ટ્રીય પ્રવૃતિમાં સહભાગી બનવા માટે સહ વિશેષ સમજ આપી હતી. ખેડૂતોએ ગાય આધારિત ખેતી પધ્ધતિ અપનાવી જળ-જમીન અને વાતાવરણને બગડતું અટકાવવા માટે તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
આ સાથે જુદા-જુદા પ્રકારના ઇમારતી વૃક્ષોનું રોપણ કરી તેમાં કઠોળ, ધાન્ય તેમજ હળદર જેવા મસાલા પાકોનું વાવેતર કરી વધુ ઉપજ મેળવવા માટેની સમજ આપી હતી. ખેડૂત ભાઈ–બહેનોએ ફાર્મ ખાતે કૃષિ વનીકરણના સંશોધનને લગતા જુદા-જુદા અખતરાઓની મુલાકાત લીધી હતી. તાલીમના અંતે લાભાર્થી ખેડૂતોને જરૂરી કીટ વિતરણ કરાઈ હતી. આ તાલીમમાં શ્રી કે.આર.પ્રજાપતિ ખેતી મદદનીશ, શ્રી લલીતાબેન સૈની મદદનીશ વૈજ્ઞાનિક, શ્રી કે.ડી.સોલંકી સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)