બનાસકાંઠા
દેશમાં આજે સહકારીતા દિન નિમિત્તે ઉજવણી થઈ રહી છે. બનાસકાંઠાના સહકારીતા મોડેલની દેશભરમાં ચર્ચા છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. સહકારી માળખા દ્વારા ગામડાઓમાં મળતી સેવાઓના નિરક્ષણ અર્થે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે થરાદ તાલુકાના ચાંગડા ગામે ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહકારી માળખાકીય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના છેવાડાના ગામ ચાંગડા ખાતે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિને પગલે ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ ખૂબ ઉત્સાહ સાથે અમિત શાહનું સ્વાગત કર્યું હતું. લોકોનો અદમ્ય ઉત્સાહ જોઈ અમિત શાહે પણ લોકો રૂબરૂ મળી હસ્તધનુન કરી અભિવાદન ઝીલ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ચાંગડા દૂધ ઉત્પાદન મંડળીની દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને ઝીરો ટકા વ્યાજ સાથેના માઈક્રો ATM રૂપે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ સહકારી પાયલોટ પ્રોજેક્ટ, પેક્સ કાર્યાલય અને સેવા સહકારી મંડળીના ગોડાઉનની મુલાકાત સાથે બનાસ ડેરી, બનાસ બેન્ક અને માર્કેટયાર્ડ તેમજ જિલ્લા સંઘ, તાલુકા સંઘના ચેરમેનો, ડિરેક્ટરો, આગેવાનો અને હોદેદારો સાથે રાજેશ્વર મંદિર ખાતે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચૅયરમેન શંકરભાઇ ચૌધરી, રાજ્યના સહકારીતા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ધારાસભ્યઓ કેશાજી ચૌહાણ, પ્રવીણભાઈ માળી, કલેક્ટર વરુણકુમાર બરનવાલ, કચ્છ ભુજ રેન્જ આઈ.જી ચિરાગ કોરડીયા, પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલ, સંગઠન જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસ બેંકના ચેયરમેન સવશીભાઈ ચૌધરી સહિત સહકારી અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- અયુબ પરમાર (બનાસકાંઠા)