સાવજ ડેરી ખાતે વિધિવત રીતે ગણેશ સ્થાપના, પર્યાવરણ સંરક્ષણ માટે ઇકો-ફ્રેન્ડલી ગણેશની અપીલ.

વિશ્વાસ, ભક્તિ અને આનંદનો ઉત્સવ એટલે ગણેશોત્સવ. ગણેશ ચતુર્થીના પાવન પર્વે આજે સાવજ જુનાગઢ જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી.ના ખોખરડા ફાટક ખાતે આવેલા સાવજ ડેરી પ્લાન્ટ પર વિધિવત રીતે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી.

આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ વી. ખટારીયા સહિત સંઘના આગેવાનો, અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રાણપ્રતિષ્ઠા બાદ વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

ચેરમેન દિનેશભાઈ ખટારિયાએ આ અવસરે સંદેશ આપતાં જણાવ્યું કે ગણેશોત્સવ માત્ર ભક્તિનો જ નહીં પરંતુ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતો પર્વ છે. તેમણે સૌ શ્રદ્ધાળુઓને અપીલ કરી કે તેઓ પોતાના ઘરે અથવા સમાજમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશ સ્થાપન કરે જેથી પ્રકૃતિ અને નદી-તળાવ પ્રદૂષિત ન થાય અને આગામી પેઢીને સ્વચ્છ પર્યાવરણ મળી રહે.

સાવજ ડેરી ખાતે યોજાયેલા આ ધાર્મિક અનुष્ઠાનમાં સૌ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પૂજા-અર્ચના સાથે ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો હતો.

અહેવાલ : જગદીશ યાદવ, જૂનાગઢ