સિહોર શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે તા. ૦૮/૦૮/૨૦૨૫, શુક્રવારે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના તમામ ભાઈઓ-બહેનો તથા વિદ્યાર્થીઓએ ભાઈ-બહેનના પવિત્ર બંધનને ઉજવીને પરંપરા, પ્રેમ અને રક્ષણના સંકલ્પને મજબૂત બનાવ્યો.
ભારતીય સંસ્કૃતિ અનુસાર રક્ષાબંધન પર્વ માત્ર તહેવાર નથી, પરંતુ ભાઈ-બહેનના અખંડ પ્રેમ, વિશ્વાસ અને સંરક્ષણનું પ્રતિક છે. બહેનોએ ભાઈના કાંડા ઉપર રાખડી બાંધી, મોઢું મીઠું કરાવ્યું અને તેમના દીર્ઘાયુષ્ય તથા પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરી.
વિદ્યાલયે આ અવસરે વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યોને પ્રેરિત કરવા માટે ખાસ કાર્યક્રમો યોજ્યા. જેમાં ‘પર્યાવરણ અને સંસાધનોની બચત’ વિષયક પ્રતીકાત્મક અભિગમ અપનાવ્યો — વીજળી બચાવવા માટે બલ્બને, પાણી બચાવવા માટે માટલાને, સમયની બચત માટે ઘડીયાળને, અને ‘દિકરી વ્હાલનો દરીયો’ અભિયાન અંતર્ગત તુલસીના છોડને રાખડી બાંધી જીવનમાં તેમના મહત્વની સમજણ આપી.
શાળા પરિવાર દ્વારા આ કાર્યક્રમ માટે વિશેષ મહેનત કરીને સુયોજિત આયોજન કરવામાં આવ્યું હતું, જેથી બાળકોમાં પરંપરાનો ગૌરવ અને જીવનમૂલ્યો પ્રત્યે જાગૃતિનો સંદેશ પ્રસરે.
અહેવાલ : સતાર મેતર, સિહોર