
સુરત
સુરત અને આસપાસના વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો માટે મુશ્કેલીભર્યા દિવસો શરૂ થયા છે. ખાસ કરીને ઓલપાડ અને ઉંમરપાડા વિસ્તારમાં ખેડૂતોના કેરી સહિતના પાકોને ભારે નુકશાન થયું છે. અસરગ્રસ્ત ખેડૂતોનું આર્થિક નુકશાન થતાં શોક અને રોષ બંને જોવા મળ્યો છે.
ખેડૂત અગ્રણી તથા કોંગ્રેસના આગેવાન દરશન નાયક દ્વારા આ ગંભીર મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક વળતર આપવાની રજુઆત કરવામાં આવી છે. તેમણે માંગણી કરી છે કે, “કમોસમી આફતથી નુકશાન પામેલા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને હાલત પર ત્વરિત કાર્યવાહી થાય.“
આ બાબતે અસરગ્રસ્ત ખેડૂતો અને આગેવાનો વચ્ચે મિટિંગ યોજાઇ હતી, જેમાં સરકાર સુધી અસરકારક રીતે ખેડૂતોની માંગ પહોંચાડવા માટેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી હતી.
સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી સાથે પણ ટેલિફોનિક ચર્ચા દ્વારા નુકશાનના સર્વે અંગે તાકીદ કરવામાં આવી છે. શક્ય તેટલી વહેલી તકે સર્વે શરૂ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવા સુચનો આપાયા છે.
ઓલપાડ, ઉંમરપાડા, મહુવા, કીમ, માંડવી સહિતના વિસ્તારોના અનેક ખેડૂતોના પાક બળતરા થયો છે, જેને પગલે તેઓ સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે.
દરશન નાયક અને તેમના સહયોગીઓએ જણાવ્યું હતું કે જો યોગ્ય સહાય ન મળે તો ખેડૂતો સાથે રાષ્ટ્રીય સ્તરે આંદોલન કરવાની પણ તૈયારી છે.