સુરતના સિટીલાઈટના શિવપૂજા શોપિંગ સેન્ટરમાં ત્રીજા માળે જીમવાળી જગ્યા આગ લાગતા સ્પામાં કામ કરતી સિક્કીમની બે યુવતીઓના મોત થયા હતા. આ મોતમાં જવાબદાર જીમના 2 સંચાલકો અને સ્પાના માલિક સહિત 3ની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.
ઉમરા પોલીસે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટએ રિમાન્ડ નામંજૂર કરતા ત્રણેયને જેલમાં મોકલી આપ્યા હતા. આથી મંગળવારે ઉમરા પોલીસે કોર્ટમાં 7 દિવસની રિમાન્ડ માટેની રિવિઝન અરજી કરી હતી. જેની સુનાવણી 14મી તારીખે છે. ગુનાવાળી જગ્યા પર સ્ટ્રકચરમાં ફર્નિચર, ઈલેક્ટ્રીકલ, પીઓપી, વાયરીંગ, કલરકામ ક્યારે અને કોની પાસે કરાવવામાં આવ્યું તે તપાસ કરવાની છે. તદ્ઉપરાંત મિલકત માલિકો-કબજેદારો સુરત પાલિકા, ટોરેન્ટો પાવર અને ફાયરના કર્મચારી કે અધિકારીઓની ગુનાઇત બેદરકારી છે કે કેમ તેની આરોપી સાથે સાઠગાંઠ છે કે કેમ તે તપાસ કરવાની છે.મહત્વપૂર્ણ છે કે, નીચલી કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી આરોપીઓને જેલ મોકલ્યા હતા 7 દિવસના રિમાન્ડ માગ્યા, તા. 14મી નવેમ્બરે સુનાવણી થશે.