સુરત જૂની બોમ્બે માર્કેટમાં દુકાનમાં લાગી આગ
સુરત :
સુરત શહેરના સહારા દરવાજા પાસે આવેલી જૂની બોમ્બે માર્કેટમાં આગની ઘટના બની હતી. એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે દુકાનમાં આગ ફાટી નીકળી હતી. દુકાનમાં મુકેલો શૂટ-શેરવાની સહિતના કાપડનો જથ્થો બળીને ખાક થયો હતો. કોલ મળતા જ ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
શહેરની 70થી વધુ કાપડ માર્કેટને ફાયરની નોટિસ
સુરત શહેરમાં ઉનાળામાં આગની ઘટનાઓ ખૂબ વધી છે. દરમિયાન કાપડ માર્કેટમાં આગની ઘટના બને તો ફાયર બ્રિગેડને પહોંચવામાં મુશ્કેલી નડે છે. કાપડ માર્કેટની નાની ગલીઓમાં ફાયરનો બંબો જઈ શકતો નથી. વળી, અનેક માર્કેટોમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો નથી. અગાઉ અનેકોવાર ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં માર્કેટના સંચાલકો ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરાવતા નથી. આથી ફાયર બ્રિગેડે 70થી વધુ કાપડ માર્કેટોને નોટિસ ફટકારી છે. આ વખતે ફાયર બ્રિગેડ કાપડ માર્કેટો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાનું મન બનાવ્યું છે.ફાયર વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મનપા દ્વારા હાલ પ્રિમોન્સુનની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેમાં તમામ ઝોનમાં રોડ, ગટર, પાણી સહિતની સુવિધાઓ ડિસ્ટર્બ નહીં થાય તેની તૈયારી ચાલી રહી છે. ખાડીઓમાંથી કચરો કાઢવામાં આવી રહ્યો છે. ત્યારે ફાયર વિભાગે પણ પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરી છે.
અહેવાલ :- અશ્વિન પાંડે ( સુરત )