સુરત :
સુરત શહેરમાં એક યુવકનું રાત્રે ઉંઘમાં જ મોત નિપજ્યું હોવાનો ચકચારી બનાવ બન્યો છે. આ યુવકની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરાવતા તેની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ કેસમાં તપાસ કરતા અનૈતિક પ્રેમસંબંધનો ખુલાસો થયો હતો. પરિણીતા સાથેના અનૈતિક પ્રેમસંબંધનો ભાંડો ફૂટતા પ્રેમી યુવકે જીવ ગુમાવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં મૃતકની પરિણીત પ્રેમિકાના પતિ સહિત બેની અટકાયત કરી છે.
પોલીસ સૂત્રોએ કહ્યું કે, દિપેશને રૂદરપુરાની કુબેરદાસની વાડી નવા ખાડી રોડ પર રહેતા હર્ષદ કહારની પત્ની સાથે અનૈતિક સંબંધ હતા. હર્ષદની પત્ની દિપેશ સાથે વોટ્સએપ કોલ પર વાત કરતી હતી ત્યારે હર્ષદ જોઈ ગયો હતો. બાદમાં હર્ષદ અને તેના મોટા ભાઈ ધર્મેશ કહારે દિપેશને મળવા માટે કુબેરદાસની વાડીમાં તા. 1 જુલાઈની રાતે બોલાવ્યો હતો, જ્યાં બંને ભાઈઓએ દિપેશને રાત્રિના 23.45 કલાકે જાહેરમાં માર માર્યો હતો. માર ખાધા બાદ દિપેશ ઘરે જતો રહ્યો હતો અને કોઈને કશું કહ્યા વિના ઊંઘી ગયો હતો. સવારે તે જાગતા નહીં પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)