સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે ખરીદાયેલી બેન્ચો પર હાલ વિવાદ ઊભો થયો છે.
સુરતની જગ્યાએ આ બેન્ચો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જુના પિપળિયા ગામમાં જોવા મળી છે. સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ થતાં તંત્ર અને રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેયર કરી, આરોપ મૂક્યો કે સુરતના નાગરિકોના ટેક્સના પૈસાથી ખરીદાયેલી બેન્ચો બીજી જ જગ્યાએ કેવી રીતે પહોંચી?
ફોટાઓ અનુસાર, ગામના રહેણાંક વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં મળી આવી આવી બેન્ચો પર સ્પષ્ટપણે “સુરત મહાનગરપાલિકા” લખાયેલું જોઈ શકાય છે.
આથી અટકળો ચાલી રહી છે કે આવા દુરુપયોગ પાછળ કોઇ રાજકીય હાથ તો નથી?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બેન્ચો કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા તથા બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટમાંથી મળી હતી. જોકે, હવે આ બેન્ચો ભાજપના વોર્ડ નં. ૧૭ના ઉમેદવાર ભરત વાલદોરિયાના ગામ જુના પિપળિયા સુધી કેવી રીતે પહોંચી, એ મોટો પ્રશ્ન છે.
પાલિકા તરફથી જે વસ્તુઓ શહેરની જનતાને સુવિધા આપવા માટે ખરીદવામાં આવે છે, તેનો ઉપયોગ જો રાજકીય સગાભાઈ માટે ખાનગી વિસ્તારમાં થઈ રહ્યો હોય, તો એ ગંભીર પ્રશ્ન છે.
આ પહેલાં પણ સુરત મ્યુનિસિપલ બેન્ચોનું દુરુપયોગ થતું હોવાના મામલા બહાર આવી ચૂક્યા છે, પરંતુ હવે તો વાત સીધી અન્ય જિલ્લામાં બેફામ ટ્રાન્સફર સુધી પહોંચી ગઈ છે.
ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન ગામમાં એવી પાંચ બેન્ચો જોવા મળી જેના ડિઝાઇન અને ટેગ પરથી સાફ રીતે પકડાઈ જાય છે કે બેન્ચો સુરત પાલિકા તરફથી આપવામાં આવી છે.
અહેવાલ: પ્રકાશ લાલવાણી માંગરોળ-જુનાગઢ