સુરતના ફેમિન ગજેરાએ UPSC દ્વારા લેવાતી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની પરિક્ષામાં ભારતમાં ચોથો રેન્ક મેળવ્યો .

સુરત :

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે યુપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ(CAPF)ની પરિક્ષામાં સુરતના પાટીદાર યુવક ફેમિન ગજેરાએ ભારતમાં ચોથો ક્રમ મેળવી નામ રોશન કર્યું છે. જ્યારે ફેમિન ગજેરા ગુજરાતમાંથી માત્ર એક જ આ પરિક્ષામાં પાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. ફેમિને તક્ષશિલા અગ્નિકાંડમાં બહેનને ગુમાવ્યા બાદ થોડો સમય બ્રેક પણ લીધો હતો. ત્યારબાદ મનોબળ ભેગું કરીને આગળ વધ્યો હતો. જોકે, પહેલા પ્રયાસમાં તેને નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ ફરી પ્રયાસ કરતા સફળતાના શીખરો સર કરી બતાવ્યા છે.અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં બીજા સંતાન તરીકે ફેમિન ગજેરાનો 1999માં જન્મ થયો હતો.

પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા. હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે. ફેમીને અભ્યાસ સુરતમાં કર્યો હતો. રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં ફેમિને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો. 2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યારબાદ 2019માં બહેન ગ્રીષ્મા ગજેરાનું તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી હતી.

પહેલા પ્રયાસમાં તેને નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ ફરી પ્રયાસ કરતા સફળતાના શીખરો સર કરી

ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે, 2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી પંડિત દિનદયાલ પટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કરેલું છે. 2019થી આ અંગેના પ્રિપરેશનની ઈચ્છા હતી. કોરોના મહામારી સમયે 6 મહિના માટે જુનાગઢ નોકરી કરી હતી. ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલું કરી હતી.2019માં સિવિલ સર્વિસિસની તૈયારીઓ ચાલું કરી હતી. તે સમયે જ મારી બહેન દુખદ અવસાન થયું હતું. ઘર પર પણ ઘણા સંકટ હતા તો થોડો સમય ડિસ્ટર્બન્સ આવ્યું હતું મારા માટે. કેમ કે ઘરની જવાબદારીઓ અને તેના પછી તરત જ કોરોના મહામારી આવી ગઈ હતી. જેથી સંકટ બે ગણા જેવું થઈ ગયું હતું. જેથી તૈયારીઓમાં થોડો વિરામ પણ આપ્યો હતો. ફરી મનોબળ ભેગું કરી તમામ ધ્યાન પરિક્ષાની તૈયારીમાં આપ્યું હતું.

આ સીએપીએફની એકઝામ 24 વર્ષની ઉમર પછી આપી શકાતી નથી. તેથી ગુજરાતમાં તેનો ક્રેઝ નથી પરંતુ ઉતર ભારત અને દક્ષિણ ભારતમાં આ કેડરમાં જવા માટે યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે. બહેનનના કરુણ મોત બાદ તેના પિતા જે રીતે સીસ્ટમ સામે લડી રહ્યા છે તેથી તેનો રસ આ સીસ્ટમમા ભાગ લઇને દેશ અને લોકોને મદદ કરવાનો છે.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)