સુરત :
સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે આ મંદીમાં પડ્યા પર પાટા સમાન ડાયમંડ અને જવેલરીના 50 વેપારીના પૈસા ફ્રીઝ થયા છે. બેન્કોએ 500 કરોડ ફ્રીઝ કર્યા છે. સાયબર ફ્રોડના નામે પોલીસની દર દિવાળીની હેરાનગતિ થતી હોવાના બળાપા સાથે સી.આર.પાટિલને રજૂઆત કરવામાં આવી હતી.
સુરતના હીરા ઉદ્યોગની મુશ્કેલી વધી છે. 50 પેઢીના અંદાજિત 500 કરોડ રૂપિયા સીઝ થયા છે.મહારાષ્ટ્ર, કેરળ અને ૫.બંગાળ રાજ્યની પોલીસ દ્વારા બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યાં છે. જેથી સુરતનાં ઉદ્યોગપતીઓના રૂપિયા ફસાયા છે. શંકાસ્પદ ટ્રાન્જેક્શન થયું હોવાનું ગણાવીને બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવવામાં આવ્યાં છે. જેથી તેનો તાત્કાલિક નિવેડો લાવવા અને ખોટી હેરાનગતિ રોકવા માટે રજૂઆત કરવામાં આવી છે.દિનેશભાઈ નાવડિયાએ કહ્યું કે, સરકારે સારો કાયદો બનાવેલો જેમાં તે કોઈના એકાઉન્ટ સિઝ કરાવી શકે છે. જો કે પોલીસ દ્વારા આ કાયદાનો દૂરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ગતરોજ 50 જેટલા વેપારીઓના 500 કરોડ કરતાં વધારેની એમાઉન્ટ સિઝ કરાઈ છે. મહારાષ્ટ્રના એક જ પોલીસ સ્ટેશન થકી 29 જેટલા વેપારીઓના ખાતા સિઝ કરાવાયા છે. આ લૂંટ ચલાવવામાં આવી છે. ભાજપના અધ્યક્ષ પાટિલને રજૂઆત કરી છે. માગણીઓ કરે તેના પૈસા આપીને પતાવટ કરવામાં આવતી હોવાની રજૂઆત કરાઈ હતી. સામી દિવાળીએ હેરાન કરવાની પેરવી ચાલી રહી છે. ત્યારે અમે હર્ષ સંઘવીને મળીને રજૂઆત કરવાના છીએ. રાજ્ય સરકારે પણ વેપારીઓના ધંધાને નુકસાન ન થાય તે માટે પગલાં લેવા જોઈએ.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)