સુરતની નવી સિવિલમાં સતત બીજા દિવસે રેસિડન્ટ તબીબ પર હુમલો.

સુરત:

પશ્ચિમ બંગાળના કલકત્તામાં બનેલી ઘટનાની શાહી હજી સુધી સુકાઈ નથી. તેવામાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે દર્દીએ મહિલા રેસિડન્ટ તબીબને વાળ પકડીને મારતાં હોબાળો થયો હતો. ભારે હંગામામાં હોસ્પિટલના ડોક્ટર સહિત સ્ટાફે દર્દીને મેથીપાક આપ્યા બાદ ખટોદરા પોલીસને સોંપ્યો હતો.

મળતી માહિતી મુજબ લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં જાકીર મિર્ઝા પરિવાર સાથે રહે છે. તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે. તેના સંતાન પૈકી 24 વર્ષીય સાબિરને છેલ્લા સાતેક વર્ષથી માનસિક બીમારી છે. જેથી તેની દવા પણ ચાલે છે. બુધવારે સાંજે તે ઘરમાં પરિવાર સાથે મારામારી કરી હતી. જેથી લિંબાયત પોલીસ તેને પોલીસ મથકે લઇ ગઈ હતી. ત્યારબાદ લિંબાયત પોલીસ મથકથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેને ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તે બેડ ઉપર સૂતો હતો. ત્યારે તેના બાજુના બેડ ઉપર સૂતેલા દર્દીને મહિલા રેસીડેન્ટ ડોક્ટર સારવાર આપી રહી હતી. તે સમયે અચાનક સાબિરે ડોક્ટરના વાળ ખેંચી તેને મારવા લાગ્યો હતો. જેથી થોડા સમય માટે હોસ્પિટલમાં ડોક્ટરમાં ભયના માહોલ સાથે અફરાતફરી સર્જાઈ હતી.

જોકે ઘટનાને પગલે હોસ્પિટલના ડોક્ટર અને અન્ય સ્ટાફે ભેગા મળીને દર્દીના હાથમાંથી મહિલા ડોક્ટરને બચાવી તેને બરાબરનો મેથીપાક ચકાડ્યો હતો અને ફરજ પરના મેડિકલ ઓફિસરને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેથી મેડિકલ ઓફિસરે ખટોદરા પોલીસનો સંપર્ક કરી દર્દીને પોલીસને હવાલે કર્યો હતો. ઘટનાને પગલે હોસ્પિટલના અન્ય ડોક્ટરો પણ તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં દોડી આવ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડ તેમજ હોસ્પિટલની સુરક્ષા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)