સુરત :
સુરતની ડુમસની 2.17 લાખ ચો.મી. સરકારી પડતર જમીનમાં ગણોતિયાના નામ દાખલ કરવાનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે આ મામલે તપાસની માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસના તુષાર ચૌધરી અને દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તપાસની માંગણી કરી છે.
પૂર્વ કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરી અને મહામંત્રી ગુજરાત પ્રદેશ સમિતિ કોંગ્રેસ દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ કરી છે કે, ડુમસ ખાતે સર્વે નં. 311/3૩ વાળી અંદાજિત 217216 ચોરસ મીટર જમીન આવેલી છે. આ જમીન સરકારી રેકર્ડ ઉપર વર્ષ 1948-49 થી સરકારી પડતર જમીન તરીકે નોંધાયેલી હતી. પરંતુ આ જમીનમાં નોંધ નં. 582 થી ગણોતિયા તરીકે “કૃષ્ણમુખલાલ ભગવાનદાસ” નું નામ દાખલ કરવામાં આવ્યું હતું.
કોઈપણ જમીનમાં નામ દાખલ કરતાં પહેલા રેવન્યુ અધિકારી તરફથી કારણ દર્શક નોટિસ આપવાની રહે છે. જે આ કિસ્સામાં રેવન્યુ અધિકારી તરફથી કરવામાં આવ્યું નથી. કોઈપણ પ્રકારના આધાર પુરાવાઓ વિના જ ગણોતિયાઓના નામ સરકારની જમીનમાં દાખલ કરી દેવામાં આવેલા હતા.
ત્યાર બાદ સર્વે નં. 311/3 વાળી જમીનનું ગણોતિયાઓ દ્વારા વખતો વખત વેચાણ કરાયું હતું અને ત્યારબાદ જમીનને બિન-ખેતી કરાવવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરતાં સદર જમીન સરકારની હોય તેવું જાણવા મળ્યું હતું.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)